Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લા પંચાયતની તથા જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતોની ચૂંટણીઓ 2026ના પ્રથમ 6 માસ દરમ્યાન ગમે ત્યારે યોજાઈ શકે છે. જેની તૈયારીઓના ભાગરૂપે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જામનગર જિ.પં.ની 24 બેઠકો માટેની રોટેશન એટલે કે, બેઠકોની ફેરફાળવણીની યાદી જાહેર કરી દેવામાં આવી છે.
આયોગની આ યાદી અનુસાર, કુલ 24 બેઠકો પૈકી 15 બેઠક સામાન્ય કેટેગરીની બિનઅનામત જાહેર કરવામાં આવી છે. આ 15 બેઠક પૈકી 8 બેઠક મહિલાઓને તથા બાકીની 7 બેઠક પુરુષોને ફાળવવામાં આવી છે. આ 24 બેઠક પૈકીની બાકીની 9 બેઠકમાં 6 બેઠક સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગ, 2 બેઠક અનુસૂચિત જાતિ માટે તથા 1 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત જાહેર થઈ છે.
કુલ 24 પૈકી 50 ટકાના ધોરણે મહિલાઓને જે 12 બેઠકોની ફાળવણી થઈ છે તે પૈકીની 8 બેઠક સામાન્ય કેટેગરીની અને 3 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કેટેગરીની તથા 1 બેઠક અનુસૂચિત જાતિ કેટેગરીની છે.
જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો (બેઠકોના નામ અને કેટેગરી સાથે)ની ફેરફાળવણી આ પ્રમાણે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ સમગ્ર વ્યવસ્થાઓ વર્ષ 2011માં થયેલી વસતિ ગણતરીના આધારે ગોઠવવામાં આવી છે. નિયમ અનુસાર 2021માં વસતિ ગણતરી કરવાની થતી હતી પરંતુ કરવામાં આવી નથી. આથી 14 વર્ષ અગાઉની સ્થિતિઓના આધારે આગામી ચૂંટણી થશે.
24 બેઠકોની ફેરફાળવણી….
આમરા(જામનગર, બિન અનામત સામાન્ય), અલીયા(જામનગર, સામાન્ય, સ્ત્રી અનામત), બેડ(જામનગર, અનુસૂચિત જાતિ), ભણગોર(લાલપુર, બિન અનામત સામાન્ય), ચેલા(જામનગર, સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી), ધુંવાવ(જામનગર, સા.શૈ.પછાતવર્ગ), ધુતારપર(જામનગર, સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી), ગીંગણી(જામજોધપુર, સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી), જોડીયા(સા.શૈ.પછાતવર્ગ), ખંઢેરા(કાલાવડ, સા.શૈ.પછાતવર્ગ),
ખરેડી(કાલાવડ, બિન અનામત સામાન્ય), ખારવા(ધ્રોલ, સામાન્ય, સ્ત્રી), ખીમરાણા(જામનગર, સામાન્ય, સ્ત્રી), લાલપુર(સામાન્ય, સ્ત્રી), લતીપુર(ધ્રોલ, બિન અનામત સામાન્ય), મોરકંડા(અનુસૂચિત જાતિ, સ્ત્રી), મોટી ગોપ (જામજોધપુર, બિન અનામત સામાન્ય), નવાગામ (કાલાવડ, અનુસૂચિત આદિજાતિ), આ ઉપરાંત નિકાવા(કાલાવડ), પીપરટોડા(લાલપુર), પીઠડ(જોડીયા)અને સતાપર(જામજોધપુર)ની 4 બેઠકો સામાન્ય કેટેગરીની મહિલાઓ માટે અનામત જાહેર થઈ છે. જ્યારે જામજોધપુરના શેઠવડાળાની તથા લાલપુરના સીંગચની બેઠક બિન અનામત સામાન્ય જાહેર કરવામાં આવી છે


