Mysamachar.in-જામનગર:
જામનગરની કચરાકથા કોણ જાણે કેવા ચોઘડીયે મંડાણી છે કે, કથા ચાલ્યા જ રાખે છે, પૂરી થવાનું નામ લેતી નથી. કચરાકથા સતત લંબાતી રહી હોય, દિવસે દિવસે મહાનગરપાલિકાની નીતિ (પોલિસી) અને દાનત પર ઘેરાતાં શંકાના વાદળો વધુ ઘનઘોર બની રહ્યા છે. સર્વત્ર જાણે કે અંધારૂ પથરાઈ ગયું.
વર્ષો અગાઉની વાત છે: મહાનગરપાલિકાએ પોતાની સ્ટાઈલ મુજબ એવી જાહેરાત કરેલી કે, શહેરની તમામ હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી નીકળતા કચરાના નિકાલ માટે અમે એક અફલાતૂન યોજના લાવ્યા છીએ. જે શહેરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થશે. ખાનગી પાર્ટી આ યોજનાનું સંચાલન કરશે. મહાનગરપાલિકા મદદ કરશે. ઉપરોકત યોજનામાં અનેક કુંડાળાઓ આચરાયા. યોજના ફાઈલોમાં સંતાડી મહાનગરપાલિકામાં અભેરાઈ પર રાખી દેવામાં આવી. જેના પર ધૂળ ચડી ગઈ છે. મહાનગરપાલિકાએ વર્ષોથી આ યોજના ઉર્ફે ફાંકાબાજીને ફરી કયારેય યાદ કરી નથી.
બીજી કચરાકથા: મહાનગરપાલિકાએ વર્ષો અગાઉ ફરી એક વખત જાહેરાત કરી. શહેરનો કચરો ગાંધીનગર ખાતેના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં સળગાવી તેમાંથી વીજળી ઉત્પાદન કરવામાં આવશે. આ વીજળી અજવાળા પાથરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્લાન્ટ માટે ખાનગી કંપનીએ સરકારી બેંકમાંથી કરોડોની લોન લીધી. મહાનગરપાલિકાએ જમીન મફતમાં આપી. કંપનીએ વીજળી ઉત્પાદન કરી, ઉંચા ભાવે વેચાણ કરી, કરોડો રૂપિયા પોકેટમાં સેરવી લીધાં. મહાનગરપાલિકાને આમાં કોઈ જ ફાયદો થયો નહીં. આ પ્લાન્ટ લાંબા સમયથી ‘મરી ગયો છે ‘ મહાનગરપાલિકાએ હજુ સુધી ઉઠમણાંની તારીખ જાહેર કરી નથી.
ત્રીજી કચરાકથા: નદીના પટ પાસે એક ફોટોસેશન થયેલું. જેમાં મહાનગરપાલિકાએ ઉંચા અવાજે જાહેરાત કરેલી કે, અહીં બનાવવામાં આવેલાં કચરા પ્લાન્ટમાં કચરાનું વર્ગીકરણ કરવામાં આવશે. કચરો વીણનારા લોકોને રોજગારી મળશે. શહેરને સ્વચ્છ બનાવવામાં મદદ મળશે. આ પ્લાન્ટ ચાલુ છે કે બંધ- એ અંગે કોઈ કાંઈ યાદ પણ નથી કરતું.
ચોથી કચરાકથા: અમુક સમય અગાઉ મહાનગરપાલિકાએ એવી પણ રંગેચંગે જાહેરાત કરેલી કે, ગુલાબનગર કચરા ડમ્પિંગ સાઈટ પર કચરામાંથી ખાતર બનાવવામાં આવશે. ખાનગી કંપનીને કામ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આમાં પણ અનેક વિવાદો અને કુંડાળાઓ ચર્ચાઓમાં રહ્યા. ખાતર બને છે કે નહીં એ અંગે સૌ મૂંગા. અહીં લાખો ટન કચરો ગંધાઈ રહ્યો છે, એ હકીકત રેકર્ડ પર છે.
બધી જ કચરાકથાનો ટૂંકો સાર એટલો જ રહ્યો કે, બધી જ યોજનાઓ મરી પરવારી. એક પણ કામમાં સફળતા નહીં. બધી જ જાહેરાતોનું બાળમરણ. શહેરમાં કચરાના વાહનો દોડાવવાની એટલે કે માત્ર ડોર ટુ ડોર કચરો કરવાની એકમાત્ર યોજના સફળ રહી અને CM પણ હાલમાં આ માટેના નવા વાહનોને લીલીઝંડી આપી ગયા.





