Mysamachar.in-સાબરકાંઠા:
ગુજરાતમાં વધુ એક ભયાનક અકસ્માત સર્જાયો. આ ઘાતક અકસ્માતમાં 4 જિંદગીઓ કાયમ માટે ઢળી પડી. આ ધોરીમાર્ગનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય પ્રધાન અને મુખ્યમંત્રી જવાના હતાં, એ પહેલાં જ આ અકસ્માત સર્જાતા ભારે દોડધામ મચી ગઈ છે.આ જિવલેણ અકસ્માત હિંમતનગર GIDC નજીક સર્જાયો છે. જેમાં એક ઈજનેર અને ત્રણ શ્રમિકનો ભોગ લેવાઈ ગયો. અહીં ઓવરબ્રિજ પાસે નેશનલ હાઈ-વેનું સમારકામ ચાલી રહ્યું હતું. આ કામગીરીઓ નિહાળવા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને CM ભૂપેન્દ્રભાઈ પટેલ જવાના હતાં. એ માટે તૈયારીઓ ચાલી રહી હતી.
આ દરમ્યાન અહીં સમારકામ કામગીરીઓ રોડ રોલર મારફતે થઈ રહી હતી. તે સમયે એક મોટું ટ્રેલર રોડ રોલર પર ચડી ગયું. આ ભયાનક અકસ્માતમાં કામ કરી રહેલાં 3 શ્રમિક અને સુપરવિઝન કરી રહેલો એક ઈજનેર હડફેટમાં આવી ગયા. ચારેયના મોત નીપજયા. આ અકસ્માત આજે બુધવારે વહેલી સવારે સર્જાયો.
સૂત્ર અનુસાર, આજે હિંમતનગર-ચીલોડા ધોરીમાર્ગના નિરીક્ષણ માટે કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી જવાના હતાં. આથી નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ અહીં ધોરીમાર્ગની ક્ષતિઓ દૂર કરવા સમારકામ શરૂ કરેલું. તે દરમ્યાન આ ગોઝારી ઘટના બની જતાં, હિંમતનગર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.


