Mysamachar.in-જામનગર:
સમગ્ર ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ SIR કામગીરીઓ દરમ્યાન કેટલાંક BLO અને તેમના સહાયકોના મોતની ખબરો અને તબિયત બગડી જવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા હોય, આ સમગ્ર કામગીરીઓ અંગે ચર્ચાઓ ચાલી રહી છે એ દરમ્યાન જામનગર શહેરમાં પણ એક મહિલા BLO ખુરશીમાં ઢળી પડવાની ઘટનાથી દોડધામ થયાની વિગતો બહાર આવી છે. જો કે આ શિક્ષિકાની તબિયત હાલ સુધારા તરફ છે.
જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં આહિર સમાજની વાડીમાં આવેલાં મતદાન બૂથ પર ગત્ રોજ રવિવારે સવારે SIR કામગીરીઓના ખાસ કેમ્પ દરમ્યાન એક મહિલા BLO ખુરશીમાં બેસીને કામ કરી રહ્યા હતાં ત્યારે એમને અચાનક ચક્કર આવી જતાં આ મહિલાએ શરીર પરનો કાબૂ ગુમાવી દીધો અને બેશુદ્ધ અવસ્થામાં ખુરશીમાં ઢળી પડ્યા.
આ ઘટના બનતાં જ બુથમાં દોડધામ થઈ ગઈ. સાથે કામ કરી રહેલાં કર્મચારીઓ અને સ્થાનિક મતદારોની મદદથી આ મહિલાને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બાદમાં તેમને ICUમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે. હાલ એમની તબિયત સારી છે. શિક્ષિકાના પતિના જણાવ્યા અનુસાર, ડોક્ટરનું નિદાન એ છે કે, હાઈપર ટેન્શનને કારણે આમ બન્યું. ચિંતાઓ નથી.
આ ઘટના અંગે જાણકારીઓ મળતાં જ શિક્ષણ વિભાગના તથા વહીવટીતંત્રના ચૂંટણી અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતાં અને તબીબો સાથે સંકલનમાં રહ્યા હતાં. આ મહિલાને BLO કામગીરીઓમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. આ શિક્ષિકાનું નામ હીરલ અલ્પેશ ત્રિવેદી છે. આ સમગ્ર ઘટના બાબતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાસે ઘટનાના 24 કલાક બાદ પણ વિગતો પહોંચી ન હતી. જો કે બાદમાં એમણે વિગતો મેળવી અને ઘટનાની હકીકતોને સમર્થન આપ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, BLO સંબંધિત મામલાઓ હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાઓમાં છે.(symbolic image)


