Mysamachar.in-
ઘણાં વર્ષોથી શ્રમિક-કામદાર ક્ષેત્રમાં સુધારાઓને અવકાશ હતો, માંગ પણ હતી અને કાર્યવાહીઓ આગળ ચાલતી પણ રહી. હવે, આ તમામ શ્રમિક સુધારાઓના અમલને લીલીઝંડી મળી જતાં કરોડો કામદારોને વિવિધ લાભો મળતાં થઈ જશે. શ્રમિકોનું જિવનધોરણ પણ સુધરશે. ભારત સરકારે ઐતિહાસિક નિર્ણય તરીકે ગત્ રોજ શુક્રવારે એક મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર, હવેથી દેશભરમાં 4 લેબર કોડનો અમલ શરૂ થઈ ગયો છે. આ ચારેય કોડના લાભાલાભો કામદારોને મળવાનું શરૂ થઈ જશે.
આ લેબર કોડ મુજબ હવે કારખાના તથા ખેતી અને બાંધકામ સહિતના ક્ષેત્રોમાં કામદારોને વધુ સારૂં વેતન મળશે. મતલબ, વેતનમાં વધારો થશે. વેતન નિયમિત મળશે. કરાર આધારિત કર્મચારીઓને પણ સમાન કામ સમાન વેતનની નીતિનો લાભ મળતો થશે. કામદારોની કામની જગ્યાઓ પર સુરક્ષા અને સલામતી વધશે. કામદારોના આરોગ્યની ચિંતાઓ કરવામાં આવશે અને જરૂરી કામગીરીઓ કરવામાં આવશે, જાણકારીઓ આપવામાં આવશે.
કામદારોની સામાજિક સલામતી વધતાં હવે કામદારોને સામાજિક ન્યાય વધુ પ્રમાણમાં મળતો થશે. આ બધી બાબતો માટે વેતન સંહિતા, ઔદ્યોગિક સંબંધ સંહિતા, સામાજિક સુરક્ષા સંહિતા, વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય સંબંધિત સંહિતા-નિયમોનો અમલ થશે. મહિલાઓ રાતપાળીમાં સંમતિ સાથે કામ કરી શકશે.
સરકારે જાહેર કર્યું કે, કુલ 29 શ્રમ કાયદાઓ સરળ બનાવવામાં આવ્યા છે. ખંડિત અને જટિલ જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ખેતભાગીદારો અને ખેતમજૂરો તથા મોટી ઈન્ડસ્ટ્રીઝમાં પણ આ અમલ શરૂ થઈ ગયો છે. દરેક કામદારને નોકરીનો નિમણૂંક પત્ર ફરજિયાત આપવાનો રહેશે. લઘુતમ વેતન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત PF, ESIC અને ગ્રેચ્યુઈટી સંબંધિત નિયમોમાં કામદારોના હિતમાં કેટલાંક ફેરફારો કરવામાં આવ્યા છે. કામદારોને કેટલાંક કાનૂની અધિકાર સરળ કરી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સિંગલ રજિસ્ટ્રેશન, યુનિક ઓળખ નંબર અને સિંગલ રિટર્ન વગેરે સુવિધાઓ દેશભરમાં શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત કામદારોને કેન્ટીન, પીવાનું પાણી, સેનિટેશન અને આરામ સંબંધિત નિયમો જાહેર કરવામાં આવ્યા છે. કારખાના માલિકો વિરુદ્ધ શિક્ષાત્મક પગલાંઓ ઘટશે અને માર્ગદર્શનનું પ્રમાણ વધશે. અને જે ઉદ્યોગ એકમમાં 500થી વધુ કામદારો કામ પર હોય ત્યાં મેનેજમેન્ટે સલામતી સમિતિની રચના કરવાની રહેશે.


