Mysamachar.in-પંચમહાલ;
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગત્ રાત્રે હૈયું હચમચાવી નાંખતી ઘટના બની જતાં આખું શહેર ગમગીન બની ગયું. એક પરિવારના બે જુવાનજોધ દીકરા અને તેના કમનસીબ માતા-પિતા એમ ચારેય સભ્યો આગમાં ભૂંજાઈ જતાં ગોધરા શહેરે આંચકો અનુભવ્યો છે.
ગોધરા શહેરના બામરોલી રોડ પર જ્વેલર્સ વ્યવસાયી કમલભાઈ દોશીનો પરિવાર વસવાટ કરતો હતો. આ પરિવારના મોટા દીકરા દેવની આજે શુક્રવારે સવારે વાપી ખાતે સગાઈ નિર્ધારીત કરવામાં આવી હતી તેથી ગત્ રાત્રે માતાપિતા અને બંને ભાઈઓ મંગલ પ્રસંગની તૈયારીઓ અને ખુશીભરી વાતોમાં મશગૂલ રહ્યા. પરંતુ ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે, એ કહેવત મુજબ ગુરૂવારની રાત આ દોશી પરિવાર માટે કાળરાત્રિ સાબિત થતાં ગોધરા શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ.
ગત્ રાત્રે સમગ્ર દોશી પરિવાર બંધ આંખોમાં મંગલ પ્રસંગની ભાવિ ગતિવિધિઓ માણતો માણતો સૂતો અને આ ઉંઘ પરિવાર માટે કાયમી ઉંઘ બની ગઈ…એ આઠ આંખો હવે કયારેય ખૂલે જ નહીં એ રીતે મિંચાઈ ગઈ અને ઉમંગથી તરબતર ચાર હ્રદય કાયમ માટે બંધ !!
આ દોશી પરિવારના મકાનમાં ગત્ રાત્રે કહેવાય છે કે, કોઈ કારણસર એક સોફાસેટમાં આગ લાગી, આગ જોતજોતામાં આગળ વધી અને સમગ્ર મકાન કાચ તથા દીવાલોથી સંપૂર્ણ પેક હોવાને કારણે આગથી ઉઠેલાં ધૂમાડાની ગૂંગળામણથી આખો પરિવાર તરફડી મોતને ભેટયો !
આ ભયાનક દુર્ઘટનામાં ભોગ બનેલા કમલભાઈ દોશી(50) ના પત્ની દેવલબેન(45) અને બંને પુત્રો દેવ(24) અને રાજ(22)નો પણ આ ઘટનામાં ભોગ લેવાતાં એક જ દરવાજામાંથી આજે સવારે પરિવારના ચારેય સભ્યના મૃતદેહ જ બહાર આવ્યા…આ પરિવાર આજે સગાઈ માટે વાપી જવાનો હતો, આથી ભાવિ વેવાઈ પરિવાર પણ ગમગીન બની ગયો, અવાક્ બની ગયો. કાળની ગતિ ન્યારી- એ વાત આ વધુ એક દુર્ઘટનામાં સાચી પડી !


