Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં આ નાણાંકીય વર્ષ દરમ્યાન અચાનક મંત્રીમંડળમાં ફેરફાર થતાં, 2 નોંધપાત્ર બાબતો હાલ બહાર આવી ગઈ છે. પહેલી બાબત: રાજ્યના વાર્ષિક બજેટમાંથી પાછલાં 8 મહિનામાં મંત્રીઓએ માત્ર 49 ટકા રકમનો ઉપયોગ કર્યો. બજેટની બાકીની 51 ટકા રકમ આગામી 4 મહિનામાં, નાણાંકીય વર્ષના અંતિમ 4 મહિનાઓ, ડિસેમ્બરથી માર્ચ સુધીમાં ખર્ચ કરવાની રહેશે.
ગુજરાત સરકારે વર્તમાન નાણાંકીય વર્ષ માટે જુદાજુદા વિભાગોમાં કુલ રૂ. 3,702 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે એવી જાહેરાત બજેટ પ્રસ્તુત કરતી વખતે ‘જાહેર’ કરી હતી. ત્યારબાદ, એપ્રિલથી નવેમ્બર સુધીમાં, એટલે કે અત્યાર સુધીમાં, આ રકમમાંથી બધાં વિભાગોમાં કુલ મળી રૂ. 1,795 અબજનો ખર્ચ કરવામાં આવ્યો. જો કે એમાંથીયે મોટાભાગની રકમ કર્મચારીઓના પગાર જેવી બાબતોમાં જ ખર્ચ થઈ. મતલબ, અત્યાર સુધીના 8 મહિનામાં બજેટમાં જાહેર થયેલાં કામો પૈકી ખૂબ જ ઓછાં ‘કામ’ થયા.
આજની તારીખે સરકારના જુદાજુદા વિભાગો પાસે આ બજેટ પૈકીની 51 ટકા એટલે કે, 1,907 અબજની રકમ એમ ને એમ પડી છે. જે નવા મંત્રીઓ ‘હોંશિયાર’ હશે તેઓ આ ગંજાવર રકમ આગામી 120 દિવસમાં ખર્ચ કરી, પોતાના વિભાગમાં કામ કરી દેખાડી શકે એવી સ્થિતિઓ હાલ છે. જો કે, એમાં પણ એક અંતરાય છે ! નવા મંત્રીઓને આજની તારીખે કોઈ ‘પાવર’ આપવામાં આવ્યો નથી, સ્ટાફ આપવામાં આવ્યો નથી અને સ્ટાફના ક્યા અધિકારીઓ અને કર્મચારીઓએ શી ફરજો બજાવવાની, તેની કોઈ જ ‘ચોખવટ’ હજુ સુધી થઈ નથી. અને, મોટાભાગના બિનઅનુભવી મંત્રીઓને તો એ પણ ખબર નથી કે, પાવર મળી જશે પછી આપણે કામ કેવી રીતે કરવાના થશે.
સરકારના વિભાગો પૈકી શિક્ષણ વિભાગ પાસે ચિક્કાર નાણું (અબજો રૂપિયા) જમા છે, બીજા ક્રમે નર્મદા તથા સિંચાઈ વિભાગ પાસે બહોળુ નાણું છે, જ્યારે સૌથી ઓછું જમા નાણું કલાયમેટ ચેન્જ વિભાગ પાસે છે. પાછલાં 8 મહિના દરમ્યાન બધાં સરકારી વિભાગોમાં પગારો થતાં રહ્યા…નાગરિક-સામાજિક કામો માત્ર નામ પૂરતાં જ થયા. ટૂંકમાં, વર્તમાન નાણાંકીય વર્ષના બજેટની કામો અંગેની જોગવાઈઓ અને જાહેરાતોને બહુ ઓછા કિસ્સામાં ‘અમલી’ જામા પહેરાવી શકાયા છે.





