Mysamachar.in-અરવલ્લી:
ગત્ રાત્રે એકાદ વાગ્યે, એક એમ્બ્યુલન્સ ભડભડ સળગી ઉઠી. આ સળગતી એમ્બ્યુલન્સમાં 4 જિંદગીઓ ભડથું થઈ ગઈ. આ એમ્બ્યુલન્સ મોડાસાથી અમદાવાદ તરફ જઈ રહી હતી. આ એમ્બ્યુલન્સ માત્ર એક જ દિવસ પહેલાં દુનિયામાં આવેલાં એક બિમાર બાળકને તાકીદની સારવાર માટે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા લઈ જઈ રહી હતી ત્યારે આ અમંગલ બનાવ બની ગયો.
મોડાસાની રીચ હોસ્પિટલથી નીકળેલી આ એમ્બ્યુલન્સ અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ જઈ રહી હતી. એમ્બ્યુલન્સમાં નવજાત બાળક ઉપરાંત ઓરેન્જ હોસ્પિટલની નર્સ અને ડોક્ટર પણ હતાં. આ બનાવ ધોરીમાર્ગ પરના એક પેટ્રોલપંપ નજીક બન્યો. ધોરીમાર્ગ પર દોડી રહેલી આ એમ્બ્યુલન્સમાં અચાનક આગ ફાટી નીકળી. એમ્બ્યુલન્સ ભડભડ સળગી ગઈ. ચાલકનો જો કે બચાવ થયો છે. એમ બન્યું હોય શકે કે, આગની જાણ થતાં જ તે એમ્બ્યુલન્સની નીચે ઉતરી દૂર જતો રહ્યો હોય. એમ્બ્યુલન્સમાં રહેલી અન્ય ચાર જિંદગીઓ મોતને ભેટી.
આ બનાવ મોડાસા પાસે રાણાસૈયદ ચોકડી નજીક બન્યો. આ સળગતી એમ્બ્યુલન્સના CCTV ફૂટેજ વાયરલ થયા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જીગ્નેશ મહેશભાઈ મોચી પોતાના તાજા જન્મેલા બાળકને સારવાર માટે આ એમ્બ્યુલન્સમાં અમદાવાદ લઈ જઈ રહ્યા હતાં. જીગ્નેશ મોચી અને તેનું બાળક, બંને જિવતાં ભૂંજાઈ ગયા. સાથે જ, અમદાવાદના 30 વર્ષના ડોક્ટર રાજકરણ રેટીયા અને અરવલ્લી જિલ્લાની ભૂરી મેનાત નામની 23 વર્ષની નર્સનું પણ આ આગમાં મોત થયું.
આ બનાવમાં અન્ય 2 યુવાન અને એક પ્રૌઢ મહિલા આગને કારણે ખૂબ દાઝી ગયા છે, તેમને સારવાર આપવામાં આવી રહી છે. આજે સવાર સુધી એ જાણી શકાયું નથી કે, આ એમ્બ્યુલન્સમાં અચાનક આગ કેવી રીતે ફાટી નીકળી. મોડાસા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ તથા કાર્યવાહીઓ શરૂ કરી છે.





