Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય એ બે વિભાગ અતિ સંવેદનશીલ હોવાની સાથેસાથે કાયમ વિવાદમાં તથા ચર્ચાઓમાં પણ રહે છે. વધુ એક વખત જોવા મળી રહ્યું છે કે, આરોગ્યતંત્રમાં કાયમી કર્મચારીઓને બદલે ખાનગી એજન્સીઓના માણસો કર્મચારીઓ તરીકે ગોઠવાઈ રહ્યા છે. આ ક્ષેત્રમાં હંગામી કર્મચારીઓ ચાલે ?! એવો પણ પ્રશ્ન ઉઠ્યો છે અને બીજો પ્રશ્ન એ ઉઠ્યો કે, આવા કર્મચારીઓની કામોની કવોલિટી જળવાશે ? અને, બેરોજગારોનું શોષણ નહીં થાય- એવી ખાતરી કોણ આપશે ?
વિધાનસભામાં બજેટસત્ર દરમ્યાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલએ કેટલીક વિગતો જાહેર કરી છે. એમના જણાવ્યા અનુસાર, રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં આઉટસોર્સથી માનવબળ ઉપલબ્ધ કરાવવા 2023માં જિલ્લાદીઠ 2 મુજબ રાજ્યમાં કુલ 66 નવા ટેન્ડર GEM મારફતે મંગાવવામાં આવેલાં છે. જે અંતર્ગત 25 ખાનગી એજન્સીઓ હાલ માનવબળ ઉપલબ્ધ કરાવી રહી છે.
વિધાનસભામાં આપવામાં આવેલાં આંકડા મુજબ રાજ્યમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પેરામેડિકલ, વહીવટી તથા ડ્રાઇવરની 2,259 જગ્યાઓ ખાલી છે. જે જગ્યાઓ ભરાયેલી છે તેમાં કાયમી ઉપરાંત આઉટસોર્સ કર્મચારીઓ પણ છે. એ જ રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 3,905 જગ્યાઓ ખાલી અને ભરાયેલી જગ્યાઓમાં કાયમી ઉપરાંત આઉટસોર્સ કર્મચારીઓ પણ છે. આ ઉપરાંત PG બોન્ડ ડ્યૂટી (નિષ્ણાંત તબીબ) 1 વર્ષ માટે આપવા 420 ઉમેદવારોની યાદી તૈયાર છે. PHC તથા CHCમાં આ વર્ષે 1,921 તબીબોની ભરતીઓ GPSC મારફતે થશે.(પ્રતીકાત્મક તસ્વીર)
