Mysamachar.in-જામનગર:
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે દિવાળીના પાવન પર્વ નિમિત્તે જામનગરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી હતી. જામનગર મહાનગર પાલિકા હસ્તકની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેડી રેલવે ઓવરબ્રિજ પાસે આવેલ વીર સાવરકર ભવન તરીકે ઓળખાતી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે મંત્રીએ મુલાકાત કરી તેઓને મીઠાઈ અર્પણ કરી દિવાળીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દરેક લોકોનું સ્વપ્ન હોય છે કે પોતાનું પાકું ઘર હોય. ગુજરાત સરકાર દ્વારા આવાસ યોજનાના માધ્યમથી રાજ્યના લોકોના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે આજે આપ સૌ પોતાના ઘરમાં દિવાળીની ઉજવણી કરી રહ્યા છો તેનો વિશેષ આનંદ છે.
અહીં લોકોને બગીચા, રોડ રસ્તાઓ, પીવાનું પાણી, લિફટ સહિત તમામ પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવી છે. સરકાર દ્વારા આવાસ યોજનાના માધ્યમથી આધુનિક બાંધકામ કરી તમામ સવલતો ઊભી કરવામાં આવી છે. મંત્રીએ આવાસમાં રહેતા તમામ લાભાર્થીઓને મીઠાઈનું વિતરણ કરી તેમનું જીવન હંમેશા રોશનીની જેમ ઝળહળતું રહે તેવા આશિર્વચન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાશક પક્ષના નેતા આશિષ જોષી, આસી. મ્યુનિસિપલ કમિશનર ભાવેશ જાની, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર પ્રદ્યુમનસિંહ જાડેજા, આવાસ સમિતિના ચેરમેન જયેન્દ્રસિંહ ઝાલા, દિલીપસિંહ ચુડાસમા, અને લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.