Mysamachar.in-
હાલારના ભાણવડ પંથકની કનૈયા ટ્રાવેલ્સની એક લકઝરી બસ સુરતમાં એન્ટર થઈ રહી હતી ત્યારે કામરેજ વિસ્તારમાં આ બસે સાતથી આઠ જેટલાં વાહનોને હડફેટમાં લઈ લીધાં અને આ ધમાચકડીમાં એક વ્યક્તિનું મોત નીપજયું છે અને આઠ જેટલાં લોકો ઘાયલ થયાનું બહાર આવ્યું છે. કહેવાય છે, બસની બ્રેક ફેઇલ થઇ જવાથી આમ બની ગયું. લોકોએ આ બસના ચાલકને પકડીને ઢોરમાર માર્યાની પણ વિગતો જાણવા મળે છે.
કનૈયા ટ્રાવેલ્સની આ બસ ભાણવડના ગુંદા ગામથી ઉપડે છે અને સુરત સુધી જાય છે. આ બસ આજે શુક્રવારે સવારે સુરતમાં પ્રવેશે એ પહેલાં કામરેજ વિસ્તારમાં આ બસે ઘણાં બધાં વાહનો અને લોકોને હડફેટમાં લઈ લીધાં હતાં. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. અન્ય કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજે સુરતથી તપાસ પહેલાં ઉતાવળે કોઈએ જાહેર કર્યું કે, આ બસની બ્રેક ફેઇલ થઈ જતાં આ અકસ્માત સર્જાયો. જો કે લોકોએ ચાલકને પકડીને સારો એવો માર મારી, પોલીસને સોંપી દીધો છે. આજે સવારે આ બનાવને કારણે કામરેજ વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.