Mysamachar.in-અમદાવાદ:
જ્યાં જૂઓ ત્યાં, રાજ્યમાં યાત્રાઓની વાતો સંભળાઈ રહી છે. યાત્રાઓનો દેકારો અને ગોકીરો સાંભળવા મળી રહ્યો છે. જે પક્ષ સતામાં બેઠો છે, તે પક્ષ સરકારી તંત્રોનો પોતાના કામો માટે ઉપયોગ કરી રહ્યો છે અને જે પક્ષ રાજ્યમાં સતા માટે વર્ષોથી રીતસર તરફડી રહ્યો છે, એ પક્ષ પણ લોકરંજક યાત્રા પોતાના એજન્ડા સાથે આગળ વધારી રહ્યો છે.
યાત્રા કોઈ પણ પક્ષની હોય, સરેરાશ નાગરિકને કોઈ પણ પ્રકારની યાત્રા સાથે સીધાં લેવાદેવા નથી. કોઈ પણ સામાન્ય નાગરિક કોઈ પણ યાત્રામાં જોડાતો નથી, સામાન્ય નાગરિકને એક પણ યાત્રા પ્રત્યે કોઈ જ આકર્ષણ કે અહોભાવ નથી. સામાન્ય નાગરિક કાં તો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત છે અથવા આ નાગરિક પોતાની રોજિંદી સમસ્યાઓના ઉકેલ માટે ઝઝૂમી રહ્યો છે.
સામાન્ય નાગરિક સેંકડો પ્રકારની તકલીફો સહન કરી રહ્યો છે. દાખલા તરીકે, બેફામ મોંઘવારી-ભયાનક ભ્રષ્ટાચાર-રાક્ષસી બેરોજગારી-નાક ફાડી નાંખતો સ્વચ્છતાનો અભાવ અથવા ગંદકી-જલભરાવની હાલાકીઓ-તૂટેલાં અથવા ઉબડખાબડ રસ્તાઓ-કોર્પોરેશન, નગરપાલિકાઓ, પંચાયતો અને સરકારી કચેરીઓમાં નાગરિકોના અટવાયેલા પડેલાં કામોમાં વિલંબ અને આડેધડ ટ્રાફિક, ટ્રાફિક જામ, પાર્કિંગની સમસ્યાઓ, રોગચાળો, શિક્ષણ અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો તેમજ રખડતાં પશુઓની તકલીફો…આવી હજારો સમસ્યાઓ, લાખો નાગરિકો વેઠી રહ્યા છે. હાઈકોર્ટ જેવી મહત્વપૂર્ણ સંસ્થાએ આવા મુદ્દે અવારનવાર તંત્રો અને સરકારના કાન ખેંચવા પડે છે, વિપક્ષ આવા લોકકલ્યાણલક્ષી પ્રશ્નો અસરકારક રીતે ઉઠાવી શકતો નથી, લોકોએ પોતાના રૂટિન કામો માટે પણ તાલુકા, જિલ્લા કે મુખ્યમંત્રીના સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ સુધી લાંબા થવું પડે છે.
લોકોના પ્રશ્નોનો ઉકેલ યાત્રાઓમાં નથી, એવો લોકોને વર્ષોનો અનુભવ છે. બીજી તરફ બધાં જ તંત્રો વિવિધ યાત્રાઓમાં બંદોબસ્ત ગોઠવણ સહિતની કામગીરીઓમાં દિવસો સુધી વ્યસ્ત રહે છે, તેથી પણ નાગરિકોના કામો અટવાય જાય છે અને વિલંબ થતો રહે છે, વિલંબ વધી જતો હોય છે, એટલે પણ લોકોને કોઈ પણ પ્રકારની યાત્રાઓ ગમતી નથી. બીજી તરફ, આગામી સમયમાં પંચાયતો, પાલિકાઓની ચૂંટણીઓ આવી રહી હોય- પક્ષોના સંગઠનો વાતાવરણ બનાવવા યાત્રાઓની ગોઠવણ અને આયોજનો તથા અમલ કરી રહ્યા છે, એ હકીકત પણ લોકો જાણતાં હોય, લોકો યાત્રાઓથી અંતર રાખે છે. પક્ષોના કાર્યકર્તાઓ, આગેવાનો અને સરકારી અધિકારીઓ યાત્રાઓમાં ખુદની પીઠ થપથપાવી રહ્યા હોય, એવો માહોલ સર્વત્ર જોવા મળી રહ્યો છે. આ દેકારાની નાગરિકો ઉપેક્ષા કરી રહ્યા છે. લોકોને ગોકીરો નહીં, કામ તથા કામની વાત પસંદ છે- એ વાત રાજકીય પક્ષો ક્યારે સમજશે ? (symbolic image soure:google)