Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
પશ્ચિમ ભારતના છેવાડે આવેલું યાત્રાધામ દ્વારકા વિશ્વપ્રસિદ્ધ હોવાને કારણે અહીં સમગ્ર વર્ષ દરમિયાન લાખો શ્રધ્ધાળુઓ અને સહેલાણીઓ દર્શનાર્થે તથા પ્રવાસ માટે આવતાં હોય છે. આ ઉપરાંત નજીકમાં નાગેશ્વર, શિવરાજપુર બીચ અને બેટ દ્વારકા તથા ઓખા વચ્ચેના નવનિર્માણ પામેલાં સુદર્શન બ્રિજને કારણે અન્ય રાજ્યો તથા વિદેશોમાંથી આવતાં પ્રવાસીઓની સંખ્યા મોટીને મોટી બની રહી છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નગરપાલિકાનું તંત્ર લઘરવઘર હોવાને કારણે દ્વારકા શહેર એક મોટાં અને અણઘડ ગામડાં જેવું ભાસે છે, શહેરના વિકાસને ગ્રહણ લાગેલું છે. શાસકો પોતાનામાં વ્યસ્ત અને વિપક્ષ તો જાણે કે સાવ ગેરહાજર હોય એવી સ્થિતિને કારણે આટલું મોટું યાત્રાધામ ધરાવતું શહેર જાણે કે નધણિયાતું હોય એવી હાલત જોવા મળી રહી છે. લાખો લોકો દ્વારકાની મુલાકાત બાદ સ્થાનિક તંત્ર તથા સરકારની નબળી છાપ લઈને પરત ફરી રહ્યા છે. યાત્રાધામ વિકાસ બોર્ડની પ્રતિષ્ઠાને પણ આંચ આવી રહી છે આમ છતાં સર્વત્ર ઉદાસીનતા અને બેદરકારીઓના દર્શન થઈ રહ્યા છે.
પાલિકા પર ભાજપાનો મજબૂત કબજો છે. આમ છતાં આ યાત્રાધામને કાયમી સમસ્યાઓથી મુક્તિ અપાવવા મુદ્દે કયાંય સક્રિયતા દેખાતી નથી, બીજી બાજુ વિપક્ષ જાણે કે સાવ અદ્રશ્ય છે. આટઆટલી સમસ્યાઓ અને વિકાસને ગ્રહણ છતાં વિપક્ષનો કયાંય અવાજ નહીં. વિપક્ષની ઘોર નિષ્ક્રિયતાને કારણે શાસકો નિશ્ચિત અને બિન્દાસ છે. અને, શહેરની સુખાકારી અંગે પૂછનાર કોઈ નથી.
દ્વારકા શહેરમાં નગરજનો અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે પરંતુ શાસકોને તેમાં રસ નથી અને વિપક્ષ તરફથી કોઈ જ અવાજ ઉઠતો નથી. મુખ્ય વિપક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું અહીં જાણે કે કોઈ અસ્તિત્વ જ ન હોય એવી શૂન્યાવકાશ જેવી હાલત જોવા મળે છે. લોકોની સમસ્યાઓથી વિપક્ષ અજાણ હોય તેવી સ્થિતિ છે. કયાંય, કોઈ જ વિરોધ પ્રદર્શન કે કાર્યક્રમ જ નહીં, ન કોઈ આવેદનપત્ર કે ન કોઈ ધરણાં. ઠાકોરજીના ધામમાં બધું જ બરાબર ચાલતું હોય એમ સર્વત્ર શાંતિ જોવા મળે છે. ચૂંટણીઓ સિવાયના સમયમાં વિપક્ષના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ જાણે કે અદ્રશ્ય હોય એવી દયનીય હાલત જોવા મળી રહી છે. લોકો નિરાધારપણું અનુભવી રહ્યા છે. લોકોની હાલાકીઓને વાચા આપનારૂં જાણે કે કોઈ નથી, એવો તાલ આ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામમાં જોવા મળી રહ્યો છે. એક નાનકડું ઉદાહરણ: મોરબી દુર્ઘટના સર્જાઈ તે સમયમાં લોકો માટે બંધ કરવામાં આવેલ સુદામાસેતુ આજની તારીખે બંધ હોવા છતાં કયાંય કોઈને કશું ઓસાણ પણ નથી. આટલું મોટું યાત્રાધામ જાણે કે નધણિયાતું.