Mysamachar.in:બનાસકાંઠા:
આજના સમયમાં લોકો પોતાના ખિસ્સામાં રોકડ રકમ ઓછી રાખે છે કારણ કે એક તરફ ડીજીટલ ટ્રાન્જેક્શન તો બીજી તરફ જયારે જોઈએ ત્યારે એટીએમ મશીનમાંથી રોકડ રકમ ઉપાડી શકાય છે પણ એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે તમારી આસપાસ કોઈ આવે અને તમને ભોળવવાનો પ્રયાસ કરે તો ચેતવા જેવો એક કિસ્સો બનાસકાંઠા જીલ્લામાં એક ઇસમ ક્રાઈમ બ્રાંચને હાથ ઝડપાઈ જતા સામે આવ્યો છે.આ અંગેની વિગતો એવી છે કે….
ગત 10 મેના રોજ બનાસકાંઠાના વડગામમાં બેંક ઓફ બરોડાના ATM સેન્ટરમાં ગેમરપુરી ગોસ્વામી નામના ખાતેદાર પૈસા ઉપાડવા માટે ગયા હતા. ત્યારે એટીએમ સેન્ટરમાં હાજર અજાણી વ્યક્તિએ પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહારે એટીએમનો પાસવર્ડ જાણ્યા બાદ કાર્ડ બદલી 52 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ બાબતે વડગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં વડગામ પોલીસે બે ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.

આ ફરિયાદ બાદ પોલીસે અલગ અલગ 100 સીસીટીવી ચકાસ્યા હતા, જેમાં એક આરોપીની એક કરતાં વધુ એટીએમ સેન્ટર પર હાજરી જોવા મળી હતી અને છેતરપિંડીનો બનાવ પણ સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસે તપાસ કરતાં આરોપી અમદાવાદના જુહાપુરાનો મોહમ્મદ સોહિલ લાલમહમદ મેમણ નામના શખસને પોલીસે સાબરકાંઠાથી ઝડપી પાડ્યો હતો.
પોલીસે મોહમ્મદ સોહિલના ઘરે તપાસ કરી તો તેના કબજામાંથી 209 જેટલાં વિવિધ બેંકનાં ATM કાર્ડ મળ્યાં હતા. આટલી મોટી સંખ્યામાં આ કાર્ડ આરોપીએ કઈ રીતે એકત્ર કર્યાં એ પણ એક તપાસનો વિષય છે. આરોપીએ આ કાર્ડની મદદથી સાડાપાંચ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે અત્યારસુધીમાં 27 ગુનાને ભેદ ઉકેલી નાખ્યો છે.

આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તે ATM પાસે ઊભો રહેતો. ATM સેન્ટર પર કોઈ એવો ખાતેદાર આવે, જેને પૈસા ઉપાડવાનું સંપૂર્ણ જ્ઞાન ન હોય તેવા ખાતેદારની રાહ જોતો હતો. સંપૂર્ણ જ્ઞાન ન હોય તેવો ખાતેદાર લાગે એટલે આરોપી તેને વિશ્વાસમાં લઈ એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી લેતો હતો ત્યાર બાદ ખાતેદારની નજર ચૂકવીને પોતાની પાસે રહેલું કાર્ડ બદલી નાખતો હતો. ત્યાર બાદ ત્યાંથી નીકળી જતો અને અન્ય એટીએમ સેન્ટર પરથી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતો હોવાનું બહાર આવતા હવે ક્રાઈમ બ્રાંચ આ મામલે અલગ અલગ પાસાઓ પર તપાસ કરી રહી છે.