Mysamachar.in-જામનગર
12-જામનગર લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમને ચોમેરથી અને સમાજના જુદાં જુદાં વર્ગોમાંથી પ્રચંડ આવકાર મળી રહ્યો છે. વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ તેમના પ્રચારમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. સમગ્ર હાલારના કોળી સમાજ દ્વારા પણ પૂનમબેન માડમને પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે.
જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા કોળી સમાજ દ્વારા પણ મોટું જનસમર્થન પ્રાપ્ત થયું છે, અને પૂનમબેન માડમ ને સતત ત્રીજી ટર્મમાં જંગી સરસાઈ સાથે વિજયી બનાવવા માટેનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી કે જેઓએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકામ કર્યો છે. તેઓ દ્વારા જામ રાવલ, જામજોધપુર અને કાલાવડમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિજય વિશ્વાસ સભાઓ ગજાવવામાં આવી હતી. પ્રત્યેક સ્થળે બહોળી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ- બહેનો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા, અને લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જંગી લીડની સાથે વિજેતા બનાવવા કૃતનિશ્ચયી થયા હતા.
દિવ્યેશભાઈ સોલંકી દ્વારા બંને જિલ્લામાં ઝંઝાવતી પ્રવાસ કરવામાં આવ્યો હતો, જેઓની સાથે કોળી સમાજના અન્ય મહાનુભાવો અને બંને જિલ્લાના હોદ્દેદારો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા, અને પૂનમબેન માડમને જંગી અને ઐતિહાસિક લીડ સાથે જીતાડવા માટેનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.