Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓ દ્વારા રજા ઉપર રહી અને ફરજ પર આવવા અંગે અધિકારીના હુકમનો અનાદર કરવા સબબ ઝારેરા અને ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર)ના બે લોકરક્ષક સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઝારેરા ગામે રહેતા અને ખંભાળિયા પોલીસ મથકમાં આર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા મયુરભાઈ પરબતભાઈ પિપરોતર દ્વારા તારીખ 17 જાન્યુઆરીથી અવિરત રીતે અહીંના પોલીસ મથકમાં પોતાની નિયત ફરજ બજાવવાના બદલે અવારનવાર પોલીસ અધિકારીના કામમાંથી મુક્તિ મેળવવા માટે મનસ્વી રીતે ગેરહાજર રહેતા હતા. આમ, ઉપરી અધિકારીના હુકમનો અનાદર કરીને તેમના હુકમને અવગણીને કોઈ વ્યાજબી કારણ વગર અવિરત રીતે રજા ઉપર રહેતા હોય, મયુરભાઈ દ્વારા પોતાના હોદ્દાની ફરજો બજાવતા ન હોવાથી તેણે પોતાની રાજ્ય સેવક તરીકેની ફરજ અંગે બેદરકારી અને નિષ્કાળજી દાખવતા હોવાનું ખુલવા પામ્યું છે.

જે અનુસંધાને ખંભાળિયાના હેડ ક્વાર્ટરમાં રિઝર્વ પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા એમ.કે. પાંડાવદરાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ મથકમાં લોકરક્ષક મયુરભાઈ પીપરોતર સામે ગુજરાત પોલીસ એક્ટની કલમ 145 મુજબ ગુનો નોંધાયો છે. અન્ય એક કાર્યવાહીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ખાંભડા ખાતે રહેતા અને અહીંના પોલીસ હેડ ક્વાર્ટરમાં આર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા ભવાનીસિંહ ખુમાનસિંહ જાદવ દ્વારા પણ તા. 17 જાન્યુઆરીથી મનસ્વી રીતે કોઈ વ્યાજબી કારણ વગર ગેરહાજર રહીને ઉપરી અધિકારીના હુકમનો પાલન ન કરતા ફરજમાં નિષ્કાળજી દાખવતા હોવાનું જાહેર થયું છે. જે સંદર્ભે પી.એસ.આઈ. માલદેભાઈ પાંડાવદરાની ફરિયાદ પરથી અહીંના પોલીસ મથકમાં તેમની સામે જી.પી. એક્ટરની કલમ 145 હેઠળ ગુનો નોંધાયો છે.
