Mysamachar.in-અમદાવાદ:
મેટ્રો સિટીમાં વસવાટ કરતા લોકો અન્ય રાજ્યમાંથી આવતા કેટલાક લોકોને ઘરઘાટી તરીકે કામ પર રાખે છે અને આવા ઘરઘાટીઓ કેટલીય વખત કેટલાય મકાનમાલિકો પર વિશ્વાઘાત કરે છે, આવી જ વધુ એક ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી છે, જ્યાં ઘરઘાટી તરીકે કામ કરતા એક ઇસમેં ઘરમાંથી માલમતા નથી પણ રોકડ અને દાગીના ભરેલ લોકરની જ ચોરી કરી લેતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.આ અંગેની વિગતો એવી છે કે અમદાવાદ શહેરના સેટેલાઇટની સુમધુર સોસાયટીમાં રહેતા કેમિકલ ફેક્ટરીના માલિકના બંગલામાં 2 મહિનાથી નોકરી કરતો પશ્ચિમ બંગાળનો ઘરઘાટી રોકડ તેમજ દાગીના સહિત રૂ.30.30 લાખની મત્તા ભરેલું લોકર ચોરી ગયો હોવાનું સામે આવ્યું છે,
સેટેલાઈટની સુમધુર સોસાયટીમાં રહેતા રોહનભાઈ અગ્રવાલ વટવા જીઆઈડીસી ફેઝ-1માં રોહન ડાઈંગ નામની ફેક્ટરી ધરાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પિતા રાધેશ્યામ, માતા ઈન્દુબહેન, પત્ની સુપ્રિયાબહેન, દીકરા શિવાન્સ અને દીકરી ધ્રિયા સાથે રહે છે. રોહનભાઈના ઘરે બે વર્ષથી રીટા રાય બેબી કેરટેકર તરીકે નોકરી કરે છે. જ્યારે ભીમજી નાથુજી પ્રજાપતિ (ડુંગરપુર, રાજસ્થાન) ડ્રાઇવર તરીકે અને રમેશ ચકબોર્તી આશિષ ચકબોર્તિ (પશ્ચિમ બંગાળ) બે મહિનાથી તેમના બંગલે નોકરી કરતો હતો.
20 જાન્યુઆરીએ સવારે છ વાગ્યે સુપ્રિયાબહેન મુંબઈ ગયા હતા. જ્યારે રોહનભાઈ અને પિતા રાધેશ્યામ ફેક્ટરી પર ગયા હતા. જ્યારે ઇન્દુબહેન અને ત્રણ નોકર આખો દિવસ ઘરે જ હતા. 21મીએ સવારે 11.30 વાગ્યે સુપ્રિયાબહેન પાછાં આવ્યાં હતાં અને દાગીના તિજોરી (લોકર) માં મૂકવા બેડરૂમમાં ગયા હતા, પરંતુ લોકર ન હતું. તે લોકરમાં રોકડા રૂ.1.85 લાખ તેમ જ સુપ્રિયાબહેન અને ઈન્દુબહેનના સોનાના અને ડાયમંડના રૂ.28.45 લાખની કિંમતના દાગીના મૂકેલા હતા. આથી રોહનભાઈએ બંગલાના સીસીટીવીના ફૂટેજ ચેક કરતા 20 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધીમાં રમેશ ચક્બોર્તી એક મોટો થેલો લઈને બંગલાની બહાર જતો દેખાતો હતો. આથી રોહનભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી એક ટીમ પશ્ચિમ બંગાળ સહીતના સ્થળોએ મોકલી અને આ ગુન્હાનો ભેદ ઉકેલાઈ તે દિશામાં તપાસ હાથ ધરી છે.