Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સહકારી ક્ષેત્રનો દબદબો એક રસપ્રદ વિષય રહ્યો છે, કેમ કે ખાસ કરીને સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ ક્ષેત્રની પહોંચ મોટી હોય છે. જામનગર યાર્ડમાં પણ ચૂંટણીઓનો સમય આવી પહોંચ્યો હોય, અત્યારથી જ રસાકસીનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. જામનગરનું હાપા માર્કેટ યાર્ડ સમગ્ર જિલ્લામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે, ભૂતકાળમાં અત્રે ચંદ્રેશભાઈ પટેલ અને રાઘવજીભાઈ પટેલ જેવા મોટા ગજાના નેતાઓ પણ, એક કરતાં વધુ વખત ચેરમેનપદ ભોગવી ચૂક્યા છે. તો વર્તમાન ચેરમેન પ્રવીણસિંહ ઝાલા પણ સહકારી ક્ષેત્રમાં અનોખો દબદબો ધરાવે છે, એમાંય આગામી મહિનાઓમાં લોકસભા ચૂંટણીઓ આવી રહી હોય, જામનગર હાપા માર્કેટ યાર્ડની ચૂંટણીને સવિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
સહકારી મંડળીઓનાં જિલ્લાના મુખ્ય અધિકારી-રજિસ્ટ્રાર કચેરીના જણાવ્યા અનુસાર, જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- હાપા માર્કેટ યાર્ડની નવી બોડી માટેની ચૂંટણીનું મતદાન આગામી 5 ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવ્યું છે. અને મતગણતરી બીજે દિવસે 6 ફેબ્રુઆરીએ થશે. હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, અને અત્યારથી રસાકસી જોવા મળી રહી છે.
આમ તો સહકારી ક્ષેત્રમાં પક્ષીય રાજકારણ પ્રત્યક્ષ રીતે સંબંધિત હોતું નથી, પરંતુ પરોક્ષ રીતે આ ક્ષેત્રમાં રાજકારણનો ઉપયોગ એટલી ગાઢ રીતે થતો હોય છે કે, ઘણાં બધાં ખેલાડીઓ આ પ્રકારના પ્લેટફોર્મથી જ, જિલ્લાના સક્રિય રાજકારણમાં પદાર્પણ કરતાં હોય છે અને સફળ પણ થતાં હોય છે.
જામનગર હાપા માર્કેટ યાર્ડની ડાયરેક્ટરો માટેની ચૂંટણી સંબંધે ફોર્મ ભરવાનો આરંભ થતાં જ, ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 28 ફોર્મ ભરાઈ ગયા છે. આ ઉપરાંત વેપારી વિભાગની 4 બેઠકો માટે 14 ફોર્મ રજૂ થયા છે. વેપારી વિભાગમાં મતદારોની સંખ્યા 110 અને ખેડૂત વિભાગમાં આ સંખ્યા 760ની છે.
જામનગર માર્કેટ યાર્ડની આ ચૂંટણીને રાજકીય રીતે પણ બહુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં APMC ક્ષેત્રમાં ઘણાં નોંધપાત્ર પરિવર્તનો પણ આવનાર છે. અને સરકાર કક્ષાએ પણ APMC ક્ષેત્રને વિશેષ રીતે જોવામાં આવી રહ્યું છે, અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, યાર્ડની આ ચૂંટણીમાં, હાથ ઉપર રાખવા ભાજપા તથા કોંગ્રેસના શક્તિશાળી નેતાઓ તથા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ પોતપોતાના પ્યાદાઓ ગોઠવી ચૂક્યા હોય, એવું પણ બની શકે કે ચૂંટણી પરિણામ અણધાર્યા પણ હોય શકે.