Mysamachar.in-જામનગર:
આવતીકાલે આ વર્ષ એટલે કે વર્ષ 2023ની આખરી રાત છે, આ રાતે યુવા હૈયાઓ ખુબ મોજમસ્તી કરશે પાર્ટીઓ કરશે પણ માપમાં રહેજો, તેવો સંદેશો પોલીસે ચેકિંગનો ઢંઢેરો પીટીને નગરજનોને માપમાં રહેવા સલાહ આપી છે અને જો કોઈ માપ બહાર ગયાનું પોલીસના ધ્યાન પર આવશે તો પોલીસ કડક પગલાં લેશે, એમ પોલીસનો પ્રજાજોગ સંદેશો કહે છે.
જામનગર પોલીસે સંદેશામાં કહ્યું છે, 31 ડિસેમ્બરની રાત્રે ઘણાં લોકો મિત્રો અને પરિવારો સાથે ફરવા નીકળશે. આ સમયે પોલીસ પાર્ટી પ્લોટ, હોટેલ, જાહેર મેળાવડાઓના સ્થળો અને રસ્તાઓ પર ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરશે. વધુમાં જણાવાયું છે કે, ફાર્મ હાઉસ, અવાવરૂ જગ્યાઓ અને અસામાજિક પ્રવૃતિઓ ચાલતી હોય એવી દરેક જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવશે. અને આ રીતે પોલીસ પ્રોહિબિશન અને ડ્રગ્સ જેવા દૂષણો નેસ્તનાબૂદ કરવા પ્રયત્નશીલ રહેશે.
પોલીસે વધુમાં કહ્યું છે, જામનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. વાહન ચેકિંગ કરવામાં આવશે. બ્રેથ એનાલાઈઝર દ્વારા નશાનું સેવન કરવામાં આવ્યું છે કે કેમ, તેની ખરાઈ કરવામાં આવશે. ડ્રીંક એન્ડ ડ્રાઇવ, દારૂનું સેવન અને પ્રોહિબિશન સંબંધી ગુનાઓ દાખલ કરવામાં આવશે.
પોલીસે આ સંદેશામાં અંતમાં જણાવ્યું છે કે, જામનગરના લોકો નિર્ભય વાતાવરણમાં મિત્રો અને પરિવાર સાથે હરેફરે અને કોઈ પણ અસામાજિક પ્રવૃતિઓ અંગે જાણકારીઓ મળે તો 100 નંબર પર પોલીસને જાણ કરે. જામનગર પોલીસ હરહંમેશ મદદ કરવા અને તહેવારોની ઉજવણીઓ શાંતિપૂર્વક થાય તે માટે કટિબદ્ધ છે.