Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ઉપરાંત જામનગર, અમરેલી રાજકોટ ઉપરાંત મહારાષ્ટ્રમાં થયેલી ઘરફોડ તેમજ વાહન ચોરીના જુદા જુદા બનાવોમાં આંતરરાજ્ય તસ્કર ગેંગને ઝડપી પાડવા દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીને સફળતા મળી છે.છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાઇક ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનાવો બન્યા હતા. આ જ પ્રકારના બનાવો મોરબી, રાજકોટ, અમરેલી તથા જામનગરના જુદા જુદા વિસ્તારોમાં પણ નોંધાયા હતા. ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાંથી આજથી આશરે એક માસ પૂર્વે ઘરફોડ ચોરી તેમજ બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ગંભીરતાપૂર્વક કામગીરી કરી, આ ગુનાઓનો ભેદ ઉકેલવા એલસીબી પોલીસને સુચના આપી હતી.
જેના અનુસંધાને એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ દ્વારા પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા એસ.વી. ગળચર સહિતની ટીમ બનાવી અને વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. એલસીબી ટીમ દ્વારા ખંભાળિયા ટાઉન અને હાઈવે પરના ટોલ ગેઈટ સહિતના સીસીટીવી કેમેરાની ચકાસણી તેમજ આ અંગેની તપાસમાં ચાર જેટલા શંકાસ્પદ લોકોની ખંભાળિયા બાદ જામનગર, રાજકોટ, ચોટીલા, લીંબડી, બગોદરા, તારાપુર ચોકડી સુધીના સીસીટીવી કેમેરાઓના ફૂટેજમાં જોવા મળી હતી.
આ અંગેની વધુ તપાસમાં મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકસી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક લવર મુછીયા છોકરાઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ પ્રકારે ઘરફોડ ચોરી કરીને મુદ્દામાલ તેમજ ટુ વ્હીલર લઈ આવ્યા હોવાથી ટીમ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં તપાસણી અર્થે દોડી ગઈ હતી. જ્યાં લાંબી જહેમત બાદ ટાંડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ગોરડિયા ગામના સંજય સુમલસીંગ વસનીયા, વિનોદ કાલુ મસાનીયા, સુરેશ ભુરસીંગ મસાનીયા અને કાકડકુવા ગામના સોહન કમલસિંગ માવી નામના ચાર આદિવાસી શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 108,560 ની કિંમતના સોનાના દાગીના, રૂપિયા 185,000 ની કિંમતના સાત મો-બાઈક રૂ. 3,366 રોકડા, રૂ. 15,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન, રૂ. દસ હજારની કિંમતનું એક લેપટોપ ઉપરાંત એમ્પ્લીફાયર, લોખંડના જુદા જુદા સાધનો વિગેરે મળી, કુલ રૂ. 323,626 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઝડપાયેલા આ શખ્સોની સધન પૂછતાછમાં મધ્યપ્રદેશ રાજ્યમાં જ રહેતા અન્ય 10 શખ્સો વિકાસ ઉર્ફે ઇકાસ ઉધનસિંગ ભાભર, રાજુ થાવરે ભાભર, અંતરસિંગ ખુરબસિંગ મસાનીયા, સુખરામ કંગરશીંગ, વિશાલ જવરસીંગ મંડલોઇ, ખુમાનસીંગ થાઉ બામણીયા, આરમસીંગ લીમસીંગ પસાવા, શંકર ભંગુ મસાનીયા, સોમલા બદનસિંગ મંડલોઇ, મહેશ કાલુ ભુરીયાની પણ સંડોવણી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ આપવામાં આવી હતી,
ઉપરોક્ત આંતરરાજ્ય તસ્કર ટોળકીના સભ્યો દ્વારા ખંભાળિયા, જામનગર, લાલપુર, સિક્કા, અમરેલી, રાજકોટ ઉપરાંત મહારાષ્ટ્રના પુણે વિસ્તારમાં આચરેલા ચોરીના ગુનાઓ ચોપડે નોંધાયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના વઢવાણ અને મોરબી જિલ્લામાં પણ તેઓએ કરેલી ચોરી પોલીસ સમક્ષ કબૂલી હતી. આ તસ્કર ટોળકી દ્વારા જે-તે ગામમાં રેલવે ટ્રેક નજીક આવેલી સોસાયટી અને કોલોનીમાં જઈને બંધ મકાનને ટાર્ગેટ કરી અને ચોરીના સાધનો વડે ઘરફોડ ચોરી કરવા ઉપરાંત નજીકમાં રહેલા વાહન પણ તેઓ ચોરી કરીને લઈ જતા હતા. આરોપી શખ્સો રેલવે ટ્રેક નજીક જ ચોરી કરવાનું વધુ પસંદ કરતા હતા. કારણકે જો તેઓ પકડાઈ જાય તો આ સ્થળે રહેલા પથ્થર વડે પથ્થરમારો કરીને હુમલો કરી, નાસી છૂટવામાં સફળ બને તે પ્રકારની મોડેસ ઓપરેન્ડી અપનાવવામાં આવતી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, અરજણભાઈ મારુ, સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, મશરીભાઈ ભારવાડીયા, ભરતભાઈ ચાવડા, જયદેવસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.