Mysamachar.in-સુરત:
કેટલાક ભેજાબાજ શખ્સો નકલી નોટો નાના નાના વેપારીઓને ત્યાં વટાવી નાખતા હોય છે, આવો જ એક કિસ્સો સુરતમાં સામે તો આવ્યો પણ પાનનો ગલ્લો ચલાવતા વૃદ્ધની સતર્કતાથી નકલી નોટોના રેકેટનો પર્દાફાશ થયો છે, આ અંગે જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડના જલારામનગર પાસે પાનના ગલ્લા પર બીજીવાર નકલી 500ના દરની ચલણી નોટ લઈ સિગારેટ લેવા આવેલા બદમાશને વૃદ્વએ પકડી પાડયો છે. વૃદ્ધ પાનનો ગલ્લો ચલાવે છે. બે-ત્રણ દિવસ પહેલા વૃદ્ધ પાસે પાનના ગલ્લા પર એક શખ્સે આવી સિગારેટ લઈ 500ની નકલી નોટ પધરાવી ગયો હતો. આથી વૃદ્ધ ઍલર્ટ હતા અને ફરી 14મી તારીખે રાત્રે શાંતિલાલ મેવાડા બીજી વખત 500ના દરની નકલી નોટ વટાવવા પાનના ગલ્લા પર આવ્યો હતો.
આથી વૃદ્વએ તેને પકડી લઈ અમરોલી પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે શાંતિલાલ મેવાડા પાસેથી 500ના દરની નકલી 32 ચલણી નોટો મળી આવી હતી. આ નકલી નોટ બાબતે પોલીસે પૂછપરછ કરતા તેણે આ નોટો પિતરાઇભાઈ વિષ્ણુ મેવાડાએ આપી હતી. આથી પોલીસે વિષ્ણુ મેવાડાને પોલીસ મથકે લાવી તેની પાસેથી 500ના દરની 149 નકલી નોટો મળી આવી ઉપરાંત 50ના દરની 32 નોટો મળી આવી હતી.
આમ 90 હજારની નકલી નોટો મળી આવતા પોલીસે શાંતિલાલ ભવરલાલ મેવાડ અને વિષ્ણુ મિસરીલાલ મેવાડાની સામે ગુનો નોંધી ધરપકડ કરી નકલી નોટો, બાઇક અને મોબાઇલ કબજે કર્યો છે. બન્ને પિતરાઇ ભાઈઓ છે અને મૂળ રાજસ્થાનના દેવગઢના છે. બન્ને આરોપીઓ છેલ્લા દોઢ-બે વર્ષથી નકલી નોટો રાજસ્થાનથી લાવી સુરતમાં ઘુસાડતા હતા બન્ને આરોપી શાકભાજીની કે ફુટની લારી પર વૃદ્ધ ચલાવતા હોય તેવી લારીવાળા પર 500ની નકલી નોટો ખપાવી દેતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.