Mysamachar.in:સુરત
હાલમાં ગુજરાત સહિત દેશભરમાં આયુષ્યમાન કાર્ડ ધરાવતી કોઈ પણ વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં પણ નાણાં ચૂકવ્યા વગર સારવાર મેળવી શકે છે. રૂ. પાંચ લાખ સુધીની મર્યાદામાં જરૂરી ઓપરેશન કરાવી શકે છે. જે આપણે સૌ જાણીએ છીએ. સરકારની આ યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલને આ કામગીરી બદલ નાણાં પણ ચૂકવવામાં આવે છે. આમ છતાં, કેટલીક ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ધરાવતી વ્યક્તિઓ પાસેથી પણ નાણાં વસૂલવામાં આવે છે ! આવી ગેરરીતિઓ આચરતી હોસ્પિટલ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં આવી ત્રણ ખાનગી હોસ્પિટલ હડફેટમાં આવી છે, જેનાં લાયસન્સ તાકીદે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, સુરતની નીલકંઠ – ધર્મનંદન અને પરમ ઓર્થોપેડીક હોસ્પિટલના લાયસન્સ આ પ્રકારની ગેરરીતિઓ સબબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ તથા એક વીમા કંપનીએ ફરિયાદનાં આધારે કરેલી તપાસમાં આ ગેરરીતિ જાણવા મળતાં અને ગેરરીતિઓનાં પુરાવાઓ મળતાં આ પગલાં લેવામાં આવ્યાં છે. આ હોસ્પિટલોમાં ખૂલ્લેઆમ દર્દીઓ પાસેથી નાણાં વસૂલવામાં આવતાં હોવાનું ખૂલ્યું છે. એવું રેકર્ડ પર આવ્યું છે કે, આ હોસ્પિટલોના સંચાલકોએ કાર્ડ ધરાવતા આ દર્દીઓને રોકડા ચૂકવ્યા વગર સારવાર આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. આ ઉપરાંત હોસ્પિટલોમાં અન્ય અનિયમિતતાઓ પણ ધ્યાનમાં આવતાં સંબંધિત સત્તાવાળાઓએ આ ત્રણેય હોસ્પિટલના લાયસન્સ તાકીદે સસ્પેન્ડ કરી નાંખ્યાં છે. અગાઉ આ ત્રણ પૈકી બે હોસ્પિટલને ગેરરીતિઓ સબબ શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી, જે અત્રે ઉલ્લેખનીય છે.