Mysamachar.in:સુરત
સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર કરોડોનાં હીરા અને રોકડની લૂંટમાં જામનગરનો એક શખ્સ ઝડપાયો હોવાનું જાહેર થયું છે. આ લૂંટ માટે મહારાષ્ટ્રનાં નાસિકથી એક ટોળકીને ગુજરાત બોલાવવામાં આવી હતી ! પોલીસે એવું જાહેર કર્યું છે કે, અમદાવાદ હાઇવે પરથી ટ્રાવેલ્સની એક બસ પસાર થઈ રહી હતી ત્યારે બસમાં મુસાફરી કરી રહેલા એક શખ્સે તમંચો દેખાડી આંગડિયા પેઢીના એક કર્મચારીને લૂંટી લીધો. રૂ. 40 કરોડની કિંમતનાં હીરા અને રોકડની લૂંટ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. PCB નાં સ્ટાફે આ લૂંટ અનુસંધાને જામનગર જિલ્લાના એક શખ્સને તેનાં વતનમાંથી ઝડપી લીધો હોવાની જાહેરાત કરી છે.
PCBએ પકડેલા આ શખ્સનું નામ દિલીપ કપૂરીયા છે, જે 45 વર્ષનો છે અને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રવેશિયા ગામનો વતની છે. આ શખ્સ અગાઉ સુરત, રાજકોટ અને જામનગર પોલીસનાં હાથમાં અગિયાર વખત પકડાયો છે. PCB PI આર.એસ.સુવેરાની ટીમે આ શખ્સને રવિવારે વહેલી સવારે રવેશિયા ખાતેથી પકડી પાડયો હતો.પોલીસે જણાવ્યું છે કે, નાસિકથી બોલાવવામાં આવેલાં આ તમામ લૂંટારાઓ બે મોટરમાં હતાં. જે પૈકી એક મોટર દિલીપ નામનો આ શખ્સ ચલાવતો હતો. દિલીપે આ કાર ટ્રાવેલ્સની બસ આગળ ગોઠવી દીધી હતી. ત્યારબાદ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. દિલીપ નામનો આ શખ્સ અગાઉનાં છ ગુન્હામાં વોન્ટેડ જાહેર થયેલો છે. કરોડોનાં હીરા અને રોકડની લૂંટનો આ પ્લાન નાસિકના લૂંટારાઓએ ઘડ્યો હતો.આ પ્રકરણમાં દિલીપની પહેલાં સુરતનો હીરેન આકોલિયા ઝડપાયો છે. જે સૂત્રધાર હોવાનું જાહેર થયું છે. પોતાનાં પર રૂ. 40 લાખનું દેણું થતાં હીરેને મિત્ર રાજુ હઠીલા સાથે આ યોજના ઘડી કાઢી, નાસિકથી લૂંટારાઓને બોલાવવામાં આવ્યા હતાં.