Mysamachar.in-સુરત:
સુરતમાં એક એટીએમ સેન્ટરમાં ગજબ કહી શકાય તેવી ઘટના સામે આવી છે,જેમાં બેન્ક ઓફ બરોડાના પાલનપુર પાટિયા ખાતેની બ્રાંચના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે એટીએમમાંથી વધારે રૂપિયા નીકળી રહ્યા હતાં. એટીએમમાં રૂપિયાં કાઢવા જેટલી રકમ નાંખી હોય તેના કરતાં વધારે રૂપિયા નિકળી રહ્યા હોય એટીએમમાંથી 20 લોકો દ્વારા આ રીતે વધુ રૂપિયા ઉપાડાયા હતાં. અંદાજે 60 હજાર આસપાસ આ રકમ હોવાની શક્યતા છે. બેન્કના અધિકારીઓને જાણ થતાની સાથે જ એટીએમ થોડા સમય માટે બંધ કરી દેવાયું હતું અને ટેક્નિકલ ખામીને સુધારીને ફરી એટીએમ શરૂ કરાયું હતું.
બાદ બેન્ક દ્વારા 20 લોકોનો સંપર્ક કરતા 8 લોકોએ પરત કર્યા હતાં અને અન્ય 12 લોકોએ કહ્યું હતું કે, અમે રૂપિયા વાપરી નાંખ્યા છે.જો કે જાણવા એવું મળી રહ્યું છે કે એટીએમમાં 100, 500, 2000ની નોટો મુકવા માટે અલગ અલગ રેક એટલે કે બીન હોય છે. રૂપિયા ફિલઅપ વખતે ભૂલથી 100ની નોટના બીનની જગ્યાએ 500ની નોટનું અને 500ની નોટના બીનની જગ્યાએ 100નું બીન મુકાતા ખામી સર્જાઈ હતી.