Mysamachar.in-સુરત:
રાજ્યના મેટ્રો સિટીમાં અલગ અલગ સ્થળોએ ધમધમતા સ્પામાં બહાર સ્પા અને અંદર દેહવ્યાપારના ધીકતા ધંધા ચાલતા હોવાનું અનેકવાર કેટલાય કિસ્સાઓમાં સામે આવી ચુક્યું છે, આવો જ વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, જેમાં સુરતના વેસુ વિસ્તારમાં લકી ફેમિલી સ્પા અને ફીલ ફેમિલી સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે. સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપરના નેટવર્કને પોલીસે ઝડપી પાડ્યું છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની મિસિંગ સેલની ટીમે વેસુના આભવા વિસ્તારમાંથી ગેરકાયદેસર દેહ વ્યાપાર કરતાં નેટવર્કને ઝડપી પાડ્યું છે. સુરત મિસિંગ સેલને બાતમી મળી હતી કે, આભવા વિસ્તારમાં આવેલ વેસ્ટ ફીલ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ દુકાન નંબર 4માં લકી ફેમિલી સ્પા અને દુકાન નંબર 1 માં ફીલ ફેમિલી સ્પાના માલિક દ્વારા સ્પાનું લાયસન્સ મેળવીને તેમાં દેહ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. જે હકિકતના આધારે સુરત મિસિંગ સેલની ટીમ દ્વારા આ જગ્યાએ રેડ કરવામાં આવી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચની મિસિંગ સેલ ટીમ દ્વારા વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્સમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારની જગ્યાએ રેડ કર્યા બાદ કુલ 13 શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે સ્પાની આડમાં ચલાવવામાં આવતા દેહ વ્યાપારના બે મહિલા સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે ત્યાં કામ કરતી સાત મહિલા અને ચાર ગ્રાહક મળી કુલ 13 શખ્સને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.