Mysamachar.in-સુરતઃ
સુરતમાં મસ્કતિ ધર્માથ હોસ્પિટલના એક મુકાદમ સામે ગંભીર આરોપો લગાવવામાં આવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. અહીં મનપા સંચાલિત હોસ્પિટલના મુકાદમ વિરુદ્ધ 15થી વધુ મહિલાઓએ શારીરીક છેડતીનો ગંભીર આરોપ લગાવ્યો છે. સાથે જ આરોપ લગાવવામાં આવ્યો કે મહિલાઓને ધમકી આપવામાં આવતી કે જો તેઓ પોલસ ફરિયાદ નોંધાવશે તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. એક ગુજરાતી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં મહિલાઓએ જણાવ્યું કે અશોક વાળંદ નામનો મુકાદમ છેલ્લા ઘણા સમયથી મહિલાઓની છેડતી કરતો હતો, એટલું જ નહીં કેટલીક મહિલા પર દુષ્કર્મ પણ આચર્યું છે, જો કે ઘર સંસાર તૂટી જવાના ભયથી આ મહિલાઓ ફરિયાદ કરવાનું ટાળી રહી છે. વધુમાં મહિલાઓએ જણાવ્યું કે અશોક દારૂના નશામાં હોસ્પિટલના ઉપરના માળે જ્યાં સીસીટીવી કેમેરા ન હોય ત્યાં બોલાવતો અને બળજબરી કરતો, જો કોઇ મહિલા તેના વશમાં ન થાય તો નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપતો. સમગ્ર મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ મળતા તપાસ ચાલું છે, જ્યારે સામા પક્ષે અશોક વાળંદનું કહેવું છે કે મારી સામે વિજિલિન્સમાં દોઢ વર્ષથી ફરિયાદ થઇ હતી જેમાં કંઇ પુરવાર થયું ન હતુ, મને બદનામ કરવા આ પ્રકારના ખોટા આક્ષેપો થઇ રહ્યાં છે.