Mysamachar.in-બનાસકાંઠા:
બનાસકાંઠા રાજસ્થાન સરહદ પર અડીને આવેલા ધાનેરા તાલુકાના વીંછીવાડી પાસે રાજસ્થાની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલાઓ, 1 પુરુષ અને 1 બાળક મળીને ચાર લોકોના મોત નિપજ્યા હતા, સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત નીપજતા કુલ પાંચ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ગવાડી વિસ્તારમાં રહેતા અરબાજ શેખ નામના રિક્ષાચાલક તેના બે મિત્રો સાથે એની રિક્ષા લઈને રાજસ્થાન સાચોર પાસે આવેલી પીરની દરગાહ માથુ ટેકવા માટે ગયા હતા. પીરની દરગાહથી દર્શન કરીને પરત ડીસા જઈ રહ્યા હતા તે દરમિયાન રાધનપુરનો ફુલવાદી પરિવાર રિક્ષાચાલકને મળ્યો હતો અને રિક્ષા ચાલકે આ રાધનપુરના ફુલવાદી પરિવારને પોતાની રિક્ષામાં બેસાડ્યા હતા.
તે દરમિયાન વીંછીવાડી પાસે પુરઝડપે આવી રહેલી રાજસ્થાનની ખાનગી બસ ઓવરટેક કરવા જતાં રિક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો ઘટના સ્થળે જ રિક્ષામાં બેસેલા રિક્ષાચાલક અરબાજ શેખ, નીલમબેન તુલસીભાઈ ફુલવાદી તેમજ દિવાબેન નરેશભાઈ ફુલવાદીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધાનેરા 108 ની ટીમ અને પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ આઠ લોકોને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.મૃતકોમાં નિલાબેન તલસીભાઇ ફુલવાદી, દિવાબેન નરેશભાઇ ફુલવાદી, શંકરભાઇ તળસીભાઇ ફુલવાદી, ભાનુબેન પોપટભાઇ ફુલવાદી, અરબાઝ (રિક્ષા ચાલક) ના મોત નીપજ્યાનું સામે આવ્યું છે.