Mysamachar.in-બનાસકાંઠા
દિવસે ને દિવસે લાંચિયાઓની સંખ્યા વધી રહી છે. કોઈ ને કોઈ વાંધો ઉભા કરીને અથવા તો કામ કરવા મોઢામાંથી જે રીતે લાળ ટપકે તે રીતે સરકારી બાબુઓ કટકીઓ કરવાનું શોધી જ લે છે, એવામાં પાલનપુર ACBએ સમાજકલ્યાણ નિરીક્ષક પંકજ પટેલને 2,20000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે.જોકે સહ આરોપી નિરીક્ષક હરેશ માનાભાઈ ચૌધરી ફરાર છે. અધિકારીઓએ અરજદારના સગાઓના પંડિત દીનદયાળ આવાસ યોજનામાં ફોર્મ મંજુર કરાવવા ફોર્મ દીઠ 8 હજાર લેખે 30 ફોર્મના 2,40,000 રૂપિયાની માંગણી કરી હતી. નિરીક્ષકે ગુનો કબૂલી લેતા ACBએ બંને સમાજ કલ્યાણ નિરીક્ષકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
થોડા દિવસ અગાઉ પાલનપુર એસીબીને ફરિયાદીએ રજુઆત કરી હતીકે તેમના સગાસંબંધીઓએ પોતાના મકાન બનાવવા પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ સહાય મેળવવા ફોર્મ ભરયા હતા. જેમાં સમાજ કલ્યાણ નિરીક્ષકોએ આ અરજદારોના ફોર્મ મંજૂર કરવા માટે એક ફોર્મ દીઠ રૂ.8 હજાર લેખે કુલ 30 ફોર્મના રૂ.2.40 લાખની માંગણી કરી હતી. જોકે ભ્રષ્ટ અધિકારીઓને લાંચ ન આપવાનું નક્કી કરી ફરિયાદીએ પાલનપુર એ.સી.બી.મા ફરીયાદ કરી હતી.
જેના પગલે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને પાલનપુરમાં આકેસણ ચોકડી પુલ નીચે MRF ટાયરની દુકાન આગળ પંકજ પટેલને બોલાવી લાંચની રકમ આપી દેવાઈ હતી. જ્યાં લાંચ સ્વીકાર્યા બાદ તુરંત એસીબીની ટીમે પંકજ પટેલને 2.20 લાખની રકમ સાથે દબોચી લીધો હતો. જોકે સહ આરોપી હરેશ ચૌધરીની અટકાયત થઈ શકી નથી. મોડી રાત્રે પાલનપુર હાઇવે ખાતે રહેતા પંકજ પટેલના નિવાસ સ્થાને રેડ કરવામાં આવી હતી. આમ લાંચિયાઓ પર વધુ એક વખત એસીબીએ તવાઈ બોલાવી છે.