Mysamachar.in-બનાસકાંઠા
ગરીબોને મળતા અનાજમાં પણ મોટાપાયે કટકી થાય છે, અને જામનગર શહેર જીલ્લા સહીત રાજ્યમાં આ વાત સત્ય છે, તે વધુ એક વખત સાબિત થયું છે, જેમાં બનાસકાઠામાં સરકારી અનાજનો મોટો જથ્થો બારોબાર પગ કરી જવાને મામલે લાંબી તપાસ બાદ અંતે પોલીસ ફરિયાદ સુધી મામલો પહોચ્યો છે, સસ્તા અનાજનો જથ્થો ગરીબોના ઘરે પહોચવો જોઈએ પરંતુ ખાઉધરા અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી કેટલાય જિલ્લાઓમાં આ જથ્થો બારોબાર જ પગ કરી જતો હોવાનું અનેકવાર સામે આવ્યું છે,
એવામાં વાત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી લાખોનો નહિ પરંતુ કરોડો રૂપિયાનો જથ્થો એટલે કે રૂપિયા 1 કરોડ 91 લાખનો અનાજનો જથ્થો ગાયબ થઈ જવાનો ચોકાવનારો મામલો સામે આવ્યો છે, જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગોડાઉન મેનેજર સામે ફરિયાદ નોંધી તેના સહિત અન્ય બે શકમંદ લોકો સામે પોલીસે તપાસ હાથ ધરી છે.
-જામનગરમાં પણ આવી જ તપાસની છે જરૂર
જામનગર શહેર અને જીલ્લામાં સસ્તા અનાજના દુકાનદારો સાથે પુરવઠા વિભાગની કથિત મિલીભગતના કેટલાય કિસ્સાઓ “માય સમાચાર” દ્વારા લોકજાગૃતિ અર્થે પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે, અને હ્જુ પણ કેટલાક ઘટસ્ફોટ કરવામાં આવશે ત્યારે તેમાં ગાંધીનગરથી તપાસની શરૂઆત થઇ છે, તેવા એંધાણ મળી રહ્યા છે.અને જો તટસ્થ તપાસ થાય તો જામનગરમાં પણ સસ્તા અનાજના દુકાનદારો અને પુરવઠા વિભાગની મિલીભગતનો મોટો પર્દાફાશ થઇ શકે તેમ છે, કારણ કે સરકારી નિયમોની જામનગરની સસ્તાઅનાજના દુકાનો ફજેતી ઉડાવી રહ્યા છે. અને મનથાય તેમ વહીવટ ચાલે છે અને પુરવઠા વિભાગે રેકોર્ડ પર જણાવ્યા મુજબ આવી દુકાનોમાં કોઈ તપાસ “સકારણ” થતી નથી, ત્યારે જો ગાંધીનગરથી વિજીલન્સ જેવી એજન્સી આવી અને તપાસ કરે તો કૌભાંડીઓનો પર્દાફાશ થઇ શકે તેમ છે.
સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનમાં કરોડો રૂપિયાની અનાજ પહોંચાડવામાં આવે છે. પરંતુ અનાજ ગરીબોના ઘર સુધી નહીં પરંતુ અનાજ માફિયાઓના ગોડાઉન સુધી પહોંચી રહ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના કલેકટરને મળેલી માહિતી મુજબ કલેકટરે જિલ્લાના મુખ્ય ગોડાઉન પર તપાસ ટીમ મોકલી હતી. જે તપાસ ટીમ દ્વારા તપાસ કરાતા સરકારી અનાજનો જથ્થો ગોડાઉનમાંથી ગાયબ દેખાયો. જેની સઘન તપાસ તથા 1 કરોડ 91 લાખની કિંમતનો ઘઉં અને ચોખાનો જથ્થો ગાયબ મળ્યો. જે મામલે જિલ્લા કલેકટરની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી સુઘેન્દ્રસિંહ ચાવડાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
1 કરોડ 91 લાખ જેટલી માતબર રકમની સરકારી અનાજનો જથ્થો ગાયબ મળતા પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા હતા. તપાસ પૂરી થતાં જ ગોડાઉન મેનેજર ટ્રાન્સપોર્ટ તેમજ ઓડિટર સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સરકારી અનાજના જથ્થા ઉચાપત મામલે આરોપીઓની શોધખોળ હાથધરી છે.