Mysamachar.in-બનાસકાંઠા
આજના સમયમાં દરેક પાસે સ્માર્ટફોન હોય એટલે કઈક નવી વસ્તુઓ લે અથવા તો કોઈ નવા સ્થળ પર હોય તો તુરંત સેલ્ફી ક્લિક કરીને સોશ્યલ મીડિયામાં મુકે છે, પણ આવી એક સેલ્ફી લેવાથી યુવકે ચોરી કરેલ બુલેટચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે, વાત કઈક એવી છે કે પાલનપુરમાંથી ત્રણ વર્ષ અગાઉ બુલેટની ઉઠાંતરી કરનારા શખ્સે બુલેટ ઉપર બેઠેલો ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હતો.જેના આધારે તાલુકા પોલીસની ટીમે ત્રણ માસની તપાસના અંતે બુલેટ ચોરનારા ઇડરના ઓડા ગામના શખ્સને ઝડપ્યો હતો.
સેમોદ્રા ગામના વિજયભાઇ પટેલના બ્લ્યુ રંગના બુલેટની વર્ષ 2017માં પાલનપુરની કોલેજ નજીકથી ચોરી થઇ ગઇ હતી. જે બાદ થોડાક દિવસો બાદ આરોપીએ બુલેટ ઉપર બેસીને પાડેલો ફોટો વાયરલ કર્યો હતો. જેની જાણ વિજયભાઇને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી.પોલીસે તપાસ કરી ચોરીનો ભેદ ઉકેલી ઇડરના ઓડા ગામના નિતિન ઓડને ઝડપી લીધો હતો. જેમાં આરોપીએ નંબર પ્લેટ બદલી દીધી હતી. જોકે, બ્લ્યું કલર ભેદ ઉકેલવામાં મહત્વનો રહ્યો હતો.