Mysamachar.in-બનાસકાંઠા
એકથી વધુ વ્યક્તિઓની ગેંગ બનાવીને ચોરી કરવાના કિસ્સાઓ રાજ્યમાં વધી રહ્યા છે. એવામાં બનાસકાંઠા એલ.સી.બી પોલીસે ઘરફોડ અને વાહન ચોરીને અંજામ આપતી એક આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગે 4 બુલેટ, 2 લક્ઝરિયસ કાર સહિત 11 જેટલી ચોરીના ગુનાઓને અંજામ આપ્યો છે. પોલીસે શંકાના આધારે 7 શખ્સોની તેઓની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં વાહન ચેકિંગ દરમિયાન ધનીયાણા ચાર રસ્તા પાસે એક સફેદ કલરની કાર અને ચાર બુલેટ સાથે ઉભેલા સાત શખ્સો શંકાસ્પદ લાગતા પોલીસે તેઓની પૂછપરછ કરી હતી.
પોલીસે શંકાના આધારે આ 7 શખ્સોની અટક તેની પાસે રહેલા બુલેટ અને કાર ચોરીનું હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી પોલીસે આ સાતેય રીઢા રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસ દ્વારા થયેલી પ્રાથમિક પૂછપરછમાં જ આ ગેંગે પાલનપુર શહેર સિવાય ભરૂચ, અંકલેશ્વર, નવસારી તેમજ રાજસ્થાનમાં પણ અલગ અલગ જગ્યાએ ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. આ ગેંગ લક્ઝુરિયસ કાર અને બુલેટની ચોરી કરવામાં માહિર છે. આ ઉપરાંત કરિયાણાની દુકાન, બેંક અને જૈન મંદિરમાં પણ તેઓએ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
આ ગુન્હામાં બનાસકાંઠા એલ.સી.બી.એ 4 બુલેટ અને 2 લક્ઝુરિયસ કાર સહિત 6.18 લાખ ના મુદ્દામાલ સાથે ઝડપી છે. જેમાં ગેંગે 11 ગુનાઓ આચર્યાની કબુલાત આપી છે, જેમાંથી હાલ 6 ચોરીના ગુનાઓ દાખલ કરાવામાં આવ્યા છે. અને વધુ તપાસ હાથ ધરી છે.