Mysamchar.in-બનાસકાંઠાઃ
સ્કૂલમાં શિક્ષણ બાળકોને શિક્ષા આપતા હોય છે, પરંતુ સમગ્ર શિક્ષણ જગતને કલંક લગાવતી ઘટના બનાસકાંઠાના રાણપુર આંબા ગામમાં સામે આવી છે. અહીં પ્રાથમિક શાળાના એક શિક્ષિકા ચાલુ શાળાએ કાર ડ્રાઇવિંગ શીખી રહ્યાં હતા. આ દરમિયાન એક વિદ્યાર્થિની અડફેટે આવી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. શિક્ષિકા શાળાનાં કંપાઉન્ડમાં પૂરઝડપે કાર હંકારતા એક વિદ્યાર્થિનીને કારની ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ આદિવાસી સમાજનાં લોકો રોષે ભરાયા છે અને સ્થાનિક પોલીસને આ અંગે ફરિયાદ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા ખ્યાતિબહેન ચાલુ શાળા દરમ્યાન જ શાળાનાં પ્રાંગણમાં કાર શીખી રહ્યાં હતા. આ દરમિયાન શિક્ષિકાએ વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. સમગ્ર ઘટના બાદ હાલ શિક્ષિકા ગુમ થઇ ગયા છે. આ ઘટનાના રોષનાં પગલે આ શાળાએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. આ ઘટના સામે આવ્યાં બાદ, અનેક સવાલો ઉઠી રહ્યાં છે કે શિક્ષિકા ચાલુ શાળામાં પોતાનું કામ છોડીને કાર કેમ શીખી રહી હતી? શું શિક્ષિકા કાર શીખી રહ્યાં હતા એ વાતની જાણ શાળાના આચાર્યને ન હતી ?.