Mysamachar.in-અમદાવાદ:
આર્મીમાં ફરજ બજાવતા અને નિવૃત થયેલ જવાનોને એક કાર્ડ આપવામાં આવે છે જે કાર્ડ પરથી તેવોને નિયત કોટા મુજબનો દરમાસે શરાબનો જથ્થો ફાળવવામાં આવે છે જેની કીમત બજારકીમત કરતા સાવ તળિયાની હોય છે, ત્યારે અમદાવાદમાં એવું સામે આવ્યું કે નિવૃત આર્મીમેન સહિતનો એક શખ્સ આ ડ્યુટીફ્રી દારુ અને બિયરનું બહાર મોટા પૈસા લઇ વેચાણ કરતા હોવાની માહિતી પરથી પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા છે
અમદાવાદ ઝોન 5 એલસીબી સ્ટાફને બાતમી મળી હતી કે, શહેરના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વસ્ત્રાલ પાસે પુષ્પ રેસિડેન્સી વિભાગ- 1ના પાર્કિંગમાં કેટલાક લોકો ભેગા થઈને દારૂનું કટિંગ કરી રહ્યા છે. આ બાતમીના આધારે ટીમે ત્યાં રેડ કરી હતી. લક્ઝરી કારની અંદર દારૂનો જથ્થો હતો અને બીજી કારમાં દારૂ લઈ જવાતો હતો. પોલીસે દારૂના કટિંગના સ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે આ વ્યક્તિઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેમાંથી એક વ્યક્તિનું નામ વિરેન્દ્ર હકીમસિંહ ગુર્જર મૂળ જયપુર રાજસ્થાનનો રહેવાસી છે. તેની સાથે બીજો એક આરોપી પણ પકડાયો છે જે અમદાવાદમાં દારૂની ડિલિવરી લેવા માટે આવ્યો હતો. જેનું નામ ભુવનેશ્વર ઉર્ફે બુલુર હતું. બંને વ્યક્તિઓ ઘણા સમયથી દારૂની આપ-લે કરતા હતા.
ઝડપાયેલ આરોપીઓ પૈકી વિરેન્દ્ર આર્મીમાં નવ વર્ષ નોકરી કરી હતી. ત્યારબાદ નિવૃત્તિ લીધી હતી. પછી તે રૂપિયા કમાવવા માટે આર્મીની કેન્ટીનમાંથી પોતાના કાર્ડ અથવા અન્ય કોઈના કાર્ડ મારફતે દારૂ ખરીદતો હતો અને તે ડિફેન્સમાં દારૂના નામે અહીંયા વેચવા માટે આવતો હતો. એક અંદાજ પ્રમાણે ડિફેન્સની કેન્ટીનમાં 25થી 30 રૂપિયાની જે બિયર મળે છે તે અહીંયા 250થી 300 રૂપિયામાં વેચાતો. જ્યારે 900માં મળતી સ્કોચની બોટલના અહીંયા 4 હજારથી વધુ રૂપિયા લેતો. હાલ આ દિશામાં પોલીસની વિશેષ તપાસ ચાલુ છે.જે બાદ બીજા ખુલાસાઓ થઇ શકે છે.