Mysamachar.in:અમદાવાદ
ગુજરાતનાં એક નિવૃત્ત IPSનો પુત્ર અનેક લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે, એવું જાહેર થતાં સનસનાટી મચી ગઇ છે. આ શખ્સ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ થઈ છે. આ વખતે મામલો ‘બનાવટી’ સ્ટે ઓર્ડરનો છે ! નિવૃત્ત આઇપીએસ બી.એસ.જેબલિયાનાં પુત્ર નિરવ જેબલિયાએ અત્યાર સુધીમાં ઘણાં બધાં લોકો સાથે છેતરપિંડી કરી છે એવું જાહેર થતાં અમદાવાદમાં ચકચાર મચી ગઇ છે. આ શખ્સ ખાસ કરીને હાઈકોર્ટમાં તથા પોલીસવિભાગમાં લોકોનાં કામો ‘નિપટાવી’ દેવામાં માહિર હોવાનું કહેવાય છે ! જો કે તેનાં વિરુદ્ધ વધુ એક ફરિયાદ થઈ છે.
નિરવ જેબલિયા વિરૂદ્ધ અમદાવાદનાં સોલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ થઈ છે. ફરિયાદનો સૂર એવો છે કે, આ શખ્સે હાઇકોર્ટનો એક સ્ટે ઓર્ડર બનાવટી તૈયાર કર્યો અને તેનાં બદલામાં તેણે રૂ. પાંચ લાખની માંગણી કરી હતી ! અમદાવાદનાં કુબેરનગરમાં રહેતાં દિનેશ રાણા નામની વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે.
દિનેશ રાણા કહે છે : મારાં એક મિત્રએ છએક મહિના પહેલાં નિરવ જેબલિયાની મુલાકાત કરાવી હતી. મિત્રએ જેતે સમયે કહ્યું હતું કે, નિરવ કોર્ટ અને સરકારી વિભાગોમાં લાયઝનિંગ કરે છે. દરમિયાન ગત્ એપ્રિલ મહિનામાં દિનેશ રાણાનાં ડીસા ખાતેનાં એક મિત્ર રાજીવ મેવાડાએ દિનેશ રાણાને જણાવ્યું હતું કે, તેનાં એટલે કે રાજીવ મેવાડાના નાનાં ભાઈને NDPSના એક કેસમાં જામીન મળ્યા છે પરંતુ પોલીસ અવારનવાર અટકાયતી પગલાં ભરે છે અને વારંવાર રાજીવના ભાઈની અટકાયત કરે છે તેથી રાજીવ પોતાનાં નાના ભાઈની આ પ્રકારની અટકાયતો નિવારવા હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવવા ઈચ્છે છે.
બાદમાં, દિનેશ રાણાએ આ પ્રકારનો સ્ટે ઓર્ડર મેળવવા નિરવ જેબલિયાનો સંપર્ક સાધતાં નિરવે દિનેશ રાણાને હાઈકોર્ટ સામે આવેલાં સત્યમેવ કોમ્પલેક્ષમાં વકીલ વૈભવ વ્યાસની ઓફિસે બોલાવી વૈભવ વ્યાસની ગેરહાજરીમાં નિરવે રાજીવ મેવાડાના નાનાં ભાઈ મેહુલ મેવાડાની એક કાગળ પર સહી લીધી અને કામ પેટે રૂ. 3 લાખ એડવાન્સ લીધાં. કામની કુલ ફી રૂ. 5 લાખ નક્કી કરવામાં આવી હતી. અને આ કામ વૈભવ વ્યાસને આપવામાં આવ્યું છે, એ પ્રકારની ખાતરી નિરવે મેહુલ મેવાડાને આપી હતી.
ત્યારબાદ ગત્ 23મી એપ્રિલે રાજીવ મેવાડાને હાઇકોર્ટનો સ્ટે ઓર્ડર મળી ગયો ! પરંતુ તે ઓર્ડરમાં 2013 લખાયેલું છે જે ભૂલથી લખાયું છે એમ જણાવી ફરીથી બીજો સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો. તે દરમિયાન એક વખત બનાસકાંઠા પોલીસ મેહુલની અટકાયત કરવા આવી તે સમયે નિરવે ફોન પર પોલીસ સાથે વાત કરી. અને પોતાની ઓળખાણ નિવૃત્ત આઇપીએસ બી.એસ.જેબલિયાનાં પુત્ર તરીકે આપી, પોલીસને હાઇકોર્ટનો સ્ટે ઓર્ડર મોકલી આપ્યો. પોલીસે નિરવ પર વિશ્વાસ કરી મેહુલની અટકાયત ન કરી. તે દરમિયાન નિરવે સોદા મુજબની બાકીની રૂ. 2 લાખની રકમ મેહુલ પાસેથી મેળવી લીધી. પરંતુ આ સ્ટે ઓર્ડર ઓનલાઇન ન આવતાં રાજીવ મેવાડાને શંકા ઉપજી. તેણે એડવોકેટ વૈભવ વ્યાસની ઓફિસે તપાસ કરતાં નિરવ જેબલિયાનો ભાંડો ફૂટી ગયો.
બાદમાં આ મુદ્દે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નિરવ વિરૂદ્ધ છેતરપિંડીની કલમો સાથેની ફરિયાદ નોંધાવવામાં આવી. નિરવ વિરૂદ્ધ અન્ય કેટલીક અરજીઓ પણ પોલીસને મળી છે. જે સંદર્ભે આગામી દિવસોમાં વધુ પોલીસ ફરિયાદો દાખલ થશે. હાઈકોર્ટનાં આ બનાવટી સ્ટે ઓર્ડરનો મુદ્દો જાહેર થતાં, અદાલતી વર્તુળોમાં પણ જોરદાર ચર્ચાઓ શરૂ થઈ છે. હવે આ પ્રકારની છેતરપિંડીનો પણ ગુનો દાખલ થશે એવી પણ ચર્ચા છે.