Mysamachar.in-અમદાવાદ:
આજથી ટ્રાફિકના સુધારેલા નવા નિયમોની ગુજરાત રાજ્યમાં સવારથી કોઈપણ જાતના પૂર્વ આયોજન વગર (જેનાથી લોકો હેરાન ના થાય) ટ્રાફિક ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે પોલીસ અને લોકો વચ્ચે આ મામલે આવનાર દિવસોમાં પણ ઘર્ષણ વધશે તેવી શંકાઓ પણ સેવાઈ રહી છે, ત્યારે અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવની શરૂઆતે જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.. જે વિચિત્ર કહી શકાય તેવો છે. અમદાવાદના લાલ દરવાજા નજીક જૂની જુમ્મા મસ્જીદ સામે ટ્રાફિક પોલીસની મેમો બુક લઇ બાઇકસવાર બે ઇસમો નાસી ગયાનો વિચિત્ર કિસ્સો બન્યો હતો. અન્ય પોલીસ કર્મીઓએ બાઇક પર પીછો કરતા નાસી રહેલા શખસે મેમો બુક ફેંકી દીધી હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ. જોકે આ મામલે કોઇ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
બન્યું એવું હતું કે બાઇક પર સવાર બે ઇસમોએ હેલ્મેટ પહેર્યું ન હતુ. ટ્રાફિક પોલીસે તેમને અટકાવી મેમો આપ્યો હતો. જે બાદ મેમોમાં સહી કરવા માટે મેમો બુક ટ્રાફિક પોલીસે બાઇક ચાલકને આપતા બંનેએ મેમો બુક ઝૂંટવી લઇ બાઇક ભગાવ્યું હતુ. જે બાદ હાજર પીએસઆઈએ બાઈક પર પીછો કર્યો હતો. તે જોઈને બાઈક પર ભાગી છુટેલા ઇસમોએ મેમો બુક રસ્તામાં ફેંકી ભાગી ગયા હતા. આમ આવી વિચિત્ર કહી શકાય તેવી ઘટના ટ્રાફિક નીયમન અમલવારી દરમિયાન બની હોવાનું જાણવા મળે છે.