Mysamchar.in-અમદાવાદ:
છેલ્લા કેટલાક દીવસોથી રાજ્યના વહીવટી તંત્ર અને સરકાર માટે જે ચિંતાનો વિષય બન્યું છે તે વાયુ વાવાઝોડું આજે ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં પોતાનું રૂપ દેખાડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.ગુજરાતના દરિયાકાંઠાઓ પર વાયુ વાવાઝોડાનું સંકટ વધુ વિકટ બનતું જાય છે.હવામાન વિભાગે કહ્યું છે કે,વાયુ વાવાઝોડું હાલ મુંબઈના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમથી ૨૯૦ કિમી દૂર છે.
તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને ૧૩ જૂનના રોજ પોરબંદર અને દીવ, વેરાવળના કાંઠે ૧૫૫થી ૧૭૦ કિમીની ઝડપે ટકરાશે.પરંતુ હવે આ પરિસ્થિતિ વધુ ખરાબ બનતી જતી હોવાનું પણ નિષ્ણાંતો માને છે,આ સાથે જ ગુરુવારે સવારે નહીં પરંતુ બપોરે વાવાઝોડું ત્રાટકશે આ વિકરાળ બની ગયેલું વાવાઝોડું વેરાવળ અને દ્વારકા કાંઠે ટકરાશે તેવું અનુમાન સેવાઇ રહ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ કલેક્ટર સહિતના ઓફિસરો અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ તેમજ મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સુચના આપી જેઓ રજા પર હોય તેઓની રજા તાત્કાલીક અસરથી કેન્સલ કરી દીધી છે.સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, જુનાગઢ, દીવ જીલ્લાઓમાં પણ બચાવ કાર્યની કોઈ જરૂર પડે તો જામનગર એરફોર્સ તેમજ આર્મીની ત્રણેય પાંખના જવાનોની ૭ ટીમો ઉપરાંત નેવીના ૫૦૦ તરવૈયા જવાનો વગેરે તૈયાર હોવાનું તેમણે ઉમેર્યુ હતું.