Mysamachar.in:ગાંધીનગર
રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં આવેલી વિખ્યાત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનાં એક્સપર્ટનાં જુદાં જુદાં કેસ સંદર્ભેનાં આપવામાં આવતાં રિપોર્ટસને હવે સરકાર દ્વારા કાનૂની માન્યતા આપવામાં આવી છે. આ રિપોર્ટ સરકારી એક્સપર્ટનો રિપોર્ટ લેખાશે એવું કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક ખાસ નોટિફિકેશન મુજબ જાહેર કર્યું છે. જેવી રીતે ગુજરાત FSL નાં રિપોર્ટ અને કેન્દ્રીય FSL નાં રિપોર્ટ, કાયદાકીય બાબતોમાં માન્ય ગણવામાં આવે છે, તે જ રીતે આ NFSU નાં રિપોર્ટ પણ માન્ય લેખાશે. આ પ્રકારની માન્યતા પ્રાપ્ત દેશની આ પ્રથમ FS યુનિવર્સિટી બની છે. આ અંગે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, દિલ્હી દ્વારા ખાસ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. CrPC 293 અંતર્ગત આ મંજૂરી આપવામાં આવી હોવાનું યુનિવર્સિટી સતાવાળાઓ જણાવે છે.
NFSUની સત્તાવાર જાહેરાત કહે છે : યુનિવર્સિટીનાં કોઈ પણ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, સિનિયર સાયન્ટીફિક ઓફિસર અથવા જુનિયર સાયન્ટીફિક ઓફિસર દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ કે અભિપ્રાયને કોર્ટમાં કાયદેસર માન્યતા આપવામાં આવી છે. અગાઉ આ યુનિવર્સિટી CBI જેવી સંસ્થાઓને માત્ર કન્સલ્ટન્ટ તરીકે અભિપ્રાય આપતી હતી. હવેથી આ એક્સપર્ટ રિપોર્ટ કે અભિપ્રાયને અદાલતમાં માન્ય રિપોર્ટ લેખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુનિવર્સિટીની એક્સપર્ટ ટીમો દ્વારા દેશનાં વિવિધ પ્રકરણોમાં મહત્વની ભૂમિકા ભજવીને વૈજ્ઞાનિક પુરાવાઓ સરકાર સમક્ષ મૂકવામાં આવ્યા છે. આ યુનિવર્સિટી સાઈબર ક્રાઇમ, બેલેસ્ટિક, નાર્કોટિક્સ, વાઈલ્ડ લાઈફ ક્રાઈમ તથા બ્રેઈન મેપિંગ જેવી મનોવૈજ્ઞાનિક તપાસ માટે પણ હાઈટેક ટેકનોલોજી અને એક્સપર્ટ ધરાવે છે.