Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં નાના અને ખ્યાતીપ્રાપ્ત ઉદ્યોગોની સ્થિતિ કેવી છે તે સૌ કોઈ જાણે છે, પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં રાજ્યના માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇસિસ-MSME ઐદ્યોગિક એકમોને માટે નવી સોલર પોલિસી જાહેર કરવા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં એક એવો પ્રશ્ન ઉઠ્યો હતો કે, અત્યારે ભારે મંદી પ્રવર્તી રહી છે, ત્યારે એના કારણે કેટલા MSME રાજ્યમાં બંધ પડયા છે? મુખ્યમંત્રીએ આ પ્રશ્નનના જવાબમાં જણાવ્યું હતું કે, મંદી જેવું કશું નથી, મંદીની માત્ર હવા છે, આપણી પાસે આંખે ઊડીને વળગે તેવું કશું હજી સુધી આવ્યું નથી. એમણે મંદીના લીધે ઔદ્યોગિક એકમો બંધ પડયા હોવાની વાતને પણ નકારી કાઢી હતી. વધુમાં વિજય રૂપાણી એ કહ્યું કે રાજ્યમાં પ્રો-પીપલ યાને પ્રજાલક્ષી સરકાર ચાલે છે અને સરકારનું કામ ઉદ્યોગોને અનુકૂળ પોલિસી ઘડીને તેમને સહાયરૂપ થવાનું છે, જો કે છેલ્લા ત્રણ મહિનાથી શહેરના મોટાભાગના નાના અને મોટા ઉદ્યોગો મંદીનો સામનો કરી રહ્યા છે જેના કારણે રોજગારી મેળવનારા લાખો કારીગરો બેકાર થઈ ગયા છે. ગુજરાત બહારથી આવતા કારીગરો તેમના વતન જતા રહ્યા છે.