Mysamachar.in-સુરેન્દ્રનગરઃ
ગુજરાતમાં દારૂની રેલમછેલ વચ્ચે 31 ડિસેમ્બરની ઉજવણી કરવાના પ્લાનિંગ પર પાણી ફેરવવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં લાખોની કિંમતનો અને અનેક ટ્રકમાં ભરી ઘુસાડવામાં આવી રહેલો દારૂ પકડાઇ રહ્યો છે. આવો જ એક ટ્રક સુરેન્દ્રનગરમાંથી પકડાયો છે, અહીં લીંમડી હાઇવે પર બલદાણા ગામ પાસેથી 22 લાખની કિંમતનો દારૂ સાથે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, તથા હજુ પણ 8 શખ્સો ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 31મી ડિસેમ્બરની ઉજવણીમાં પ્યાસીઓ માટે દારૂ પહોંચાડવા માટે બૂટલેગરો દ્વારા નીત નવા અખતરા કરવામાં આવી રહ્યાં છે. એક તરફ પોલીસતંત્ર સાબદુ બન્યું છે તો બીજી બાજુ બૂટલેગરો પણ યુક્તિ લગાવી દારૂ ઘુસાડી રહ્યાં છે.
આવી રીતે ઘુસાડવામાં આવ્યો દારૂ ભરેલો ટ્રક
આ વખતે ભેજાબાજ બુટલેગરોએ બટેકાની ગુણી નીચે સંતાડી છેક રાજસ્થાનથી લીંબડી હાઇવે પર બલદાણા ગામ પાસેની હોટલના પાર્કિંગ સુધી દારૂ ભરેલો ટ્રક પહોચાડી દીધો હતો. જો કે દારૂનું કટીંગ થાય તે પહેલા જ ગાંધીનગર વિજીલન્સની ટીમને મળેલી હકીકત આધારે ટ્રકની તપાસ કરતા બટેકાની આડમાં દારૂ મળી આવ્યો હતો. ગણતરી કરતા રૂપિયા 22.42 લાખની કિંમતની દારૂની 7475 બોટલો, 7 મોબાઇલ, રોકડ રૂપિયા 10,310 મુદામાલ સહિત કુલ રૂપિયા 32,78,810નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો ટ્રકના ડ્રાઇવર-કલીનર સાથે લીંબડી અને ધંધુકા પંથકના 5 બુટલેગરોને વઢવાણ પોલીસ હવાલે કરી ગુનો દાખલ કરાવ્યો હતો, બીજી બાજુ કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેટ વિજીલન્સે આટલો મોટો દારૂ ઝડપ્યો હોવાથી સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી છે. ત્યારે નિયમ પ્રમાણે સ્થાનિક પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પગલા લેવાઇ શકે છે.