Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:કુંજન રાડિયા
વર્તમાન સમયમાં અનેક યુવાનો વિવિધ કારણોસર લગ્નથી વિમુખ રહી ગયા છે. હાલની પરિસ્થિતિમાં છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા ઓછી હોવાના કારણે અનેક નાના પરિવારના લગ્નોત્સુક યુવાનો પરણી શકતા નથી. આ પરિસ્થિતિમાં ફરજિયાત આર્થિક વહિવટ બાદ યુવાનનું માંડ ગોઠવાતું હોવાના અનેક બનાવો બને છે. આ પરિસ્થિતિમાં કેટલાક યુવાનો છેતરપિંડીના ભોગ બનતા હોવાના કિસ્સાઓ પણ બહાર આવે છે. આવો એક કિસ્સો વેરાવળના એક યુવાન સાથે બન્યો હતો. જેને જુનાગઢની યુવતી દ્વારા લગ્ન બાદ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી, અન્ય યુવાન સાથે સંસાર માંડી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે રહેતા પરેશભાઈ ધીરુભાઈ પરમાર નામના 38 વર્ષના સોરઠીયા રાજપુત યુવાન તદ્દન સામાન્ય પરિવારમાંથી હોય,
તેઓ તેમના સિત્તેર વર્ષના વૃદ્ધ માતા સાથે રહી, રૂ. આઠ હજારની નોકરી કરી, ટિફિન મંગાવીને ઘર ચલાવતા હતા. માત્ર ધોરણ 10 સુધી ભણેલા આ યુવાનના લગ્ન થતા ન હોવાથી કન્યા અંગે લાંબી શોધખોળ બાદ પરેશભાઈના પિતરાઈ બહેન મધુબેન દ્વારા ગત તારીખ 22 જૂનના રોજ જૂનાગઢ ખાતે એક છોકરી હોવાનો જણાવાયું હતું. આથી આ ભાઈ- બહેન જુનાગઢ પહોંચ્યા હતા અને એક સ્થળે છોકરી બતાવનાર અને દલાલી કરતા ઈસાભાઈ નામના એક શખ્સને મળી કુલ ચાર વ્યક્તિઓ એક ઘરે ગયા હતા. જ્યાં છોકરીની માતા નર્મદાબેન ઉર્ફે નીમુબેનની સાથે ઓળખાણ કરાવી હતી. આ સ્થળે નર્મદાબેનનો પતિ તથા સતર વર્ષનો છોકરો પણ હતો. આ દરમિયાન સામાજિક વાતચીત કર્યા બાદ તેઓએ કન્યા સંગીતાબેનનો સંપર્ક કરાવ્યો હતો. આ દરમિયાન દલાલ દ્વારા કન્યાના લગ્ન માટે રૂપિયા અઢી લાખની લેતી-દેતી કરવા કહ્યું હતું. જેથી પરેશભાઈએ આટલી મોટી રકમ દેવાની ના કહી હતી.
બીજા દિવસે દલાલ ઈસાભાઈનો મધુબેનને ફોન આવ્યો હતો અને રૂપિયા બે લાખમાં સેટિંગ કરાવી દેવાનું કહ્યું હતું. જે મંજુર રાખી, ગત તારીખ 25મી જૂનના રોજ બધું નક્કી કરીને પરેશભાઈ દ્વારા કન્યા સંગીતા સાથેના લગ્ન તેણીની માતા નર્મદાબેન વિગેરેની ઉપસ્થિતીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયા હતા. આ દરમિયાન આ સ્થળે ગાડી ભાડું તથા લગ્ન ખર્ચ વિગેરે પણ પરેશભાઈ જ ચૂકવ્યો હતો. લગ્નના બે દિવસ બાદ સંગીતાના માતા તેણીનું તેડુ કરી ગયા બાદ પાંચ દિવસે પણ પરત ન ફરતા પિતાની તબિયત ખરાબ હોવાનું કહી, પંદર દિવસ માતાના ઘરે તેણી રોકાઈ ગઈ હતી. ત્યારબાદ પરેશભાઈ સંગીતાને જુનાગઢ લઈ, જઈને પોતાના ઘરે લઈ આવ્યા હતા. જ્યાં તેણી ઘરનું કામ કરતી ન હતી, અને બહારથી જમવાનું અને વસ્તુ લઈ આવતી. ઉપરાંત અન્ય પુરુષો સાથે ફોનમાં વાત કરતી હોવાનું પણ વધુમાં જણાવાયું છે.
આ પછી થોડા દિવસ પૂર્વે સંગીતા દશામાનુ વ્રત કરવા માતાના ઘરે જવાનું કહી, અને કપડા દાગીના વિગેરે તમામ માલ સામાન લઈને ગયા બાદ પરત ફરી ન હતી. આથી પરેશભાઈએ ફોન કરતા તેણીના માતા એ કહેલ કે હવે તે આવશે નહીં અને જો ફોન કરશો તો તમે હેરાન થઈ જશો. આ અંગે વચ્ચે દલાલ તરીકે રહેલા ઈસાભાઈએ પણ કાંઈ જવાબ આવ્યો નહોતો. આ સમગ્ર પ્રકરણ અંગે વધુ ઊંડા ઉતરતા પરેશભાઈને જાણવા મળ્યું હતું કે સંગીતાએ તેના સિવાય અન્ય વ્યક્તિઓ સાથે પણ લગ્ન કર્યા છે. આટલું જ નહીં, તારીખ 8 મી ના રોજ તેણીએ પરેશભાઈ સાથે છુટાછેડા લીધા વગર ભાણવડ મુકામે તાલુકાના જામ રોજીવાડા ગામના રહીશ એક વ્યક્તિ સાથે પણ તેણીએ એક મહાદેવના મંદિરે વિધિવત રીતે લગ્ન કર્યાનું પણ વધુમાં જણાવ્યું હતું.
આમ, રૂપિયા અઢી લાખ લઈ અને લગ્નજીવન ન નિભાવી અને સંગીતાએ ગુનાહીત કાવતરુ રચતા આ સમગ્ર પ્રકરણ અંગે પરેશભાઈ પરમારની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે સંગીતાબેન, નર્મદાબેન ઉર્ફે નીમુબેન ઉપરાંત ઈસાભાઈ નામના શખ્સ સામે આઈ.પી.સી. કલમ 120(બી), 406, તથા 495 મુજબ ગુનો નોંધી ભાણવડના પી.એસ.આઈ. એચ.આર. હેરભા તથા સ્ટાફ દ્વારા આ ચિટર ટોળકીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.