Mysamachar.in-દેવભૂમિ-દ્વારકા:
જામનગર લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પરિણામ જાહેર થતાંની સાથે જ દ્વારકાધીશજીના ચરણમાં શીશ ઝૂકાવવા દ્વારકા ખાતે પહોંચ્યા હતા,તેઓએ દ્વારકાધીશજીના મંદિરમાં રાજભોગના દર્શન કરી પૂજન-અર્ચન કર્યું હતું,
મંદિર પરિસરમાં જ પુજારીઑ અને ગુગળી જ્ઞાતિના પંડાઓના આશીર્વાદ પણ મેળવ્યા હતા.પત્રકારો સાથની વાતચીતમાં પૂનમબેને જણાવ્યુ હતું,મારો આટલી મોટી લીડ સાથેનો વિજય દ્વારકાધીશજીની મારા પર ખુબ જ કૃપા અને આશીર્વાદથી જ થયો છે.ઉપરાંત લોકોનો પણ ઉમંગ,શ્રદ્ધા અને મહેનત એ પણ મારા વિજયનું મુખ્ય કેન્દ્રબિંદુ છે.
પ્રજાનો મારા ઉપરનો વિશ્વાસ કાર્યકરો,શુભેચ્છકો અને વડીલો એ ધોમધખતા તાપમાં પણ મને વિજયી બનાવવા કરેલી મહેનતની મજબૂત નોંધ લેવામાં આવી છે.નવા ભારતનું સ્વપ્ન અને તેની પરિકલ્પનામાં જામનગર સંસદીય મત વિસ્તારનો પણ સમાવેશ થાય અને જામનગર ક્ષેત્રને મળવાપાત્ર અધિકારો સરળતાથી અને ઝડપ ભેર મળશે તેવો મને વિશ્વાસ છે,પૂનમબેનએ શારદાપીઠમઠમાં પણ જગતગુરુ શંકરાચાર્યશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીના પ્રતિનિધિ અશ્વિનભાઈ પુરોહિતના પણ આશીર્વાદ મેળવ્યા હતા.
દ્વારકામાં પૂનમબેન માડમનું ભવ્યાતિભવ્ય સ્વાગત અને સન્માન
વિજેતા બન્યા બાદ પૂનમબેન માડમ દ્વારકા ખાતે પહોંચ્યા હતા અને દ્વારકા શહેર તથા તાલુકાના ગ્રામજનો અને રાજકીય,સામાજિક,વેપારી તથા ધાર્મિક સંસ્થા તથા જુદા-જુદા સમાજ દ્વારા પૂનમબેનનું ભવ્યાતિભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.દ્વારકાધીશ મંદિર પરિસરથી ધારાસભ્ય પબુભા માણેક દ્વારા આયોજિત રોડ-શોમાં મોટી સંખ્યામાં તાલુકાના લોકો અનેક વાહનો સાથે રોડશોમાં જોડાયા હતા,ભથાણ ચોક,રબારી ગેઇટ,ઇસ્કોન ગેઇટ સહિત ના વિસ્તારોમાં પૂનમબેનનું ઠેર-ઠેર અભિવાદન સ્વાગત કરાયું હતું,
બાદમાં સનાતન સેવા મંડળ હોલ ખાતે પૂનમબેન માડમનું ધારાસભ્ય પબુભા માણેક, તાલુકા પંચાયત પ્રમુખો,આગેવાનો,પાલિકા સદસ્યો,તાલુકા પંચાયતના સદસ્યો,ઓખા-દ્વારકા ભાજપના સંગઠન જૂથ,મહિલા મોરચો અને અનેક ગામના સરપંચો તથા મુસ્લિમ આગેવાનો ઉપરાંત રઘુવંશી સમાજના લોકો,અગ્રણીઑ વગેરેએ પૂનમબેનનું જાહેર સન્માન કરી દ્વારકાધીશજીનું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનીત કર્યા હતા.























































