mysamachar.in-જામનગર:
માહિતી અધિનિયમના કાયદાને ૧૩ વર્ષ જેવો સમય થવા આવ્યો છે ત્યારે આ કાયદાનું પાલન કરવામાં સરકારી તંત્રને જરાય રસ ન હોય તેમ આ કાયદાનો વારંવાર ઉલાળ્યો કરવામાં આવતો હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે,તેવામાં જામનગરમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા માહિતીના કાયદાની મજાક કરીને નિવૃત પીએસઆઇ કક્ષાના અરજદારને માહિતી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા આજથી જામનગર ખાણ-ખનીજ કચેરી ખાતે મોરચો માંડીને આમરણાંત ઉપવાસ ઉપર બેસી જતાં ફરીથી ખાણ-ખનીજ કચેરીનો રેતીનો વિવાદ સામે આવ્યો છે,
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવીને કાલાવડમાં નિવૃત જીવન પસાર કરતાં પ્રવિણસિંહ વાઢેર દ્વારા જામનગર તાલુકાનાં તમાચણ ગામે ઉંડ નદીમાં ૨ સ્થળોએ રેતીની લીઝ ખાણ-ખનીજ દ્વારા આપવામાં આવેલ હોય,આ લીઝ કેવી રીતે આપવામાં આવી અને લીઝ ધારકો પાસેથી સરકારનું કેટલું લેણું બાકી નીકળે છે તેવી માહિતી માંગવામાં આવી હતી,
પરંતુ જામનગર ખાણ-ખનીજ કચેરી દ્વારા માહિતી આપવામાં ન આવતા પ્રવિણસિંહ વાઢેરએ ગાંધીનગર માહિતી આયોગમાં અપીલ કરી હતી,અને આયોગે માહિતી પૂરી પાડવામાં હુકમ કરવા છતાં જામનગર ખાણ-ખનીજ કચેરી દ્વારા કોઈ દાદ ન આપતા અંતે આજથી નિવૃત ફોજદાર જંગે ચડીને અન્નનો ત્યાગ કરીને આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે,અને આવતીકાલ બપોર સુધીમાં જો માહિતી આપવામાં નહીં આવે તો જળનો પણ ત્યાગ કરવાની ચીમકી આપી છે,
આમ જામનગર જીલ્લામાં ખાસ કરીને ધ્રોલ,જોડિયા,સહિતના વિસ્તારોમાં રેતીની ખનીજ ચોરીના મામલે છાસવારે મારમારી,ફાયરિંગ સહિતની ઘટનાઓ સામે આવતા જામનગર ખાણ-ખનીજ કચેરી અને અન્ય તંત્ર સામે હપ્તાખોરીના કથિત આક્ષેપો વચ્ચે આજે ફરીથી ખાણ-ખનીજ કચેરી રેતીના મામલે માહિતીના કાયદાનો ઉલાળ્યો કરીને નિવૃત ફોજદાર કક્ષાના વ્યક્તિને પણ ન ગાઠતા હોવાનું કિસ્સો સામે આવ્યો છે.
શું કહેવું છે ભૂસ્તરશાસ્ત્રીનું..
નિવૃત ફોજદાર માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી ન મળતા આજે ખાણ-ખનીજ કચેરી પાસે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે,ત્યારે જેની કચેરી સામે માહિતી ન આપવાનો આક્ષેપ થઇ રહ્યો છે તે ભૂસ્તરશાસ્ત્રી મેહુલ દવેની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમને કહ્યું કે કચેરીમાં જેટલી માહિતી ઉપલબ્ધ હતી તે અરજદારને આપી દેવાઈ છે જયારે ખૂટતી માહિતી અમે આપવા માટે બંધાયેલ છીએ જે હાલ શોધવામાં આવી રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.