Mysamachar.in:જામનગર
જામનગર શહેરના સારા વિસ્તારોમાંથી પસાર થતા વાહનચાલકો સાથે પોતાની બાઈક અથડાવી બાદમાં મગજમારી કરી અને પૈસા પડાવતી ટોળકીના 2 ઈસમો અંતે પોલીસને હાથ લાગ્યા છે. અને દાખલ થયેલ એક લુંટનો પણ ભેદ ઉકેલાયો છે. જામનગર શહેરના વંદન એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ શેઠ નામના વ્યક્તિએ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી કે, તે વિરલ બાગ પાસેથી જતા હતા ત્યારે નંબર પ્લેટ વગરના મોટરસાયકલમાં આવેલા 3 અજાણ્યા ઈસમોએ ગાડી અથડાવી ગાળાગાળી કરી નુકસાની પેટે રૂ.9 હજાર માગી વિશાલભાઈએ આપવાની ના પાડતા બળજબરીથી રૂ.1 હજાર ઝૂંટવીને નાસી છૂટ્યા હતા.
જે પોસ્ટ બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરતા આ ગુનામાં સંડોવાયેલા લાદેનખાન સીપીયા પઠાણ, મુકેશ ઉર્ફે મુકલો કોળી અને ઈમરાન સફીયા હોવાનું પોલીસને જાણવા મળતા પોલીસે લાદેનખાન અને ઈમરાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનામાં વપરાયેલું મોટરસાયકલ કબજે કરી અત્યારસુધીમાં આ ટોળકીએ આવા કેટલાક ગુન્હાઓ આચર્યા છે તે અંગેની તપાસ હાથ ધરી છે.