Mysamachar.in-જામનગર:
જામનગર નજીક ખંભાળિયા રોડ પર આવેલ મોટી ખાવડી ગામે વહેલી સવારે બારીનો કાચ તોડી અંદર આવેલ એક શખ્સને સાત શખ્સોએ ઢોરમાર મારી કૃર હત્યા નીપજાવતા સનસનાટી મચી જવા પામી છે, પોલીસે ભાડેથી રહેતા સાત પૈકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જયારે હત્યાનો ભોગ બનેલ યુવાનની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ તજવીજ શરૂ કરાઈ છે, મોટી ખાવડી ગામે ગોવિંદભાઇ સોઢાના મકાનના રહેતા પ્રભાકર રામકવલ ત્રિપાઠી, યોગેશસિંહ શ્રી સુરભાનસિંહ, મનોજકુમાર હદયાનંદ સીંઘ તથા સાહીલ અંસારી, પ્રકાશ કુમાર, સંતોશકુમાર મૌર્ય, શિવાજી મહેન્દ્રતપ્રતાપ યાદવ નામના શખ્સોએ ગત તા. ૨૨મી ના રોજ વહેલી સવારે ચારેક વાગ્યે મકાનની બારી તોડી અંદર આવેલ એક ત્રીસેક વર્ષની ઉમરના યુવાનને આંતરી લીધો હતો. ચોરી કરવાના ઈરાદાથી અજાણ્યો શખ્સ મકાનમાં ઘુસ્યો હોવાનું માની લઈને સાતેય શખ્સોએ યુવાનને ઘેરી લઇ અને ફળીયામા લઇ જઈ પ્લાસ્ટિકના પાઈપ અને વાંસ વડે ઢોર માર માર્યો હતો,
આરોપીઓએ ભેગા મળીને ઢોર માર મારતા અજાણ્યો યુવાન ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ બનાવ અંગે સવારે જાણ થતા જામનગરમાં સમર્પણ ચોકડી પાસે રહેતા અવધેશકુમાર લેટ યમુનાસીંગએ મેઘપર પોલીસને જાણ કરી હતી. જેના પગલે પીએસઆઈ ડી.એસ.વાઢેર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતકનો કબજો સાંભળી મૃતદેહને જામનગર જીજી હોસ્પિટલ ખસેડ્યો હતો. આ બનાવ અંગે અવધેસકુમારે સાતેય આરોપીઓ સામે આઈપીસી કમલ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૦૨,૩૨૩ તથા જી.પી. એકટ કલમ-૧૩૫/(૧) મુજબ ફરિયાદ નોધાવતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, હત્યાને અંજામ આપનારા સાતેય આરોપીઓ અવધેશકુમારની પાસ્કો પ્રોટેક્ટીવ કોટીંગ્સ નામની કંપનીના સુપર વાઇઝર સટાફના માણસો તરીકે કામ કરે છે અને મોટી ખાવડી ગામે ગોવિંદભાઇ સોઢાના મકાનમા ભાડેથી રહેતા હતા.