Mysamachar.in-જામનગર:
જામનગરને નાટ્યક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઓળખ અને ગૌરવ અપાવનાર નાટ્ય સંસ્થા થિયેટર પીપલની સ્થાપનાની સિલ્વર જયુબિલી નિમિત્તે નગરના એમ.પી.શાહ ટાઉનહૉલમાં “રંગયાત્રા” નામનો અનોખો અને અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ વિજેતા અમદાવાદના રંગકર્મીઑ સર્જીત એકાંકી “બેલ્સ ઇન ધ વુડ્સ”નું મંચન થયું હતું.ગંભીર વિષયની ચોટદાર અભિવ્યકિત સાથે સામાજિક સંદેશ આપતા આ એકાંકીએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા,
થિયેટર પીપલના સ્થાપક-સંચાલક અને ગૌરવ પુરસ્કાર વિજેતા રંગકર્મી વિરલ રાચ્છએ થિયેટર પીપલની સિલ્વર જયુબિલીની ઉજવણી પ્રસંગે સંસ્થાની સ્થાપના સમયે સાથે રહેલા તેમજ અઢી દાયકાની દીર્ઘ યાત્રામાં ક્યાંકને ક્યાંક કોઈને કોઈ રીતે થિયેટર પીપલ સાથે જોડાયેલા તમામ કલાકારો-મિત્રોને આમંત્રિત કર્યા હતા તેમજ તમામનું સ્વાગત-અભિવાદન અને સન્માન કર્યું હતું.પ્રસિદ્ધ લેખક અને પત્રકાર ધૈવત ત્રિવેદીએ થિયેટર પીપલની સ્થાપના સમયના સંસ્મરણો વાગોળી ૨૫ વર્ષમાં અનેક સિદ્ધિઑ પ્રાપ્ત કરનાર થિયેટર પીપલની સફળતાને બિરદાવી તેમજ છેવાડાના અને સ્થાપિત કલાકેન્દ્રોથી દૂર આવેલા જામનગરમાં બિનવ્યવસાયિક ઢબે નાટ્ય પ્રવૃતિને ધબકતી રાખી વ્યવસાયિક રંગભૂમિમાં પણ ડંકો વગાડવાના બમણા સંઘર્ષ થકી સફળતાને સાકાર કરનાર વિરલ રાચ્છની દીર્ઘદ્રષ્ટી, સંકલન અને પ્રતિભાની પ્રશંસા કરી બંને હાથે સલામી અર્પણ કરી હતી,
થિયેટર પીપલના વરિષ્ઠ કલાકાર જય વિઠ્ઠલાણી, ડો. યશ્મિના જોષી, રૂપારેલીયા, રોહિત હરિયાણી, પિયુષ ખખ્ખર, જયુ વાડોલીયા, રાજલ પુજારા, તુષાર રાઠોડ, પ્રતિક શુક્લ વગેરે દ્વારા પોતાના ગુરુ વિરલ રાચ્છ તેમજ તેમના પત્ની ફાલ્ગુનીબેન રાચ્છનું સરપ્રાઈઝ સન્માન કરવામાં આવ્યું હતું,
કાર્યક્રમના મધ્ય ચરણમાં પ્રસિદ્ધ કવિ તથા નાટ્ય લેખક ડો. રઈશ મનિઆરએ થિયેટર પીપલ સાથે પોતાના ગૌરવપ્રદ સંબંધ તેમજ નાટ્યલેખક તરીકેની કેફિયત રજૂ કરી હતી. કાર્યક્રમમાં ખાસ મુંબઈથી આવેલ પ્રસિદ્ધ રંગકર્મી, ફિલ્મ અભિનેતા અને અગ્રણી નિર્માતા સંજય ગોરડિયાએ પોતાની અભિનય તથા રંગયાત્રાના સંઘર્ષમય આરંભથી સફળતાના શિખરો સુધી પહોંચેલ વર્તમાન સુધીની વાતોને પોતાના આગવા અને પ્રેરક અંદાજમાં રજૂ કરી વિરલ રાચ્છનિ પ્રતિબદ્ધતા અને પ્રતિભાને બિરદાવી થિયેટર પીપલને સફળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી,
વિહંગ મહેતા લિખિત, વિરલ રાચ્છ દિગ્દર્શત તથા થિયેટર પીપલ નિર્મિત નાટક “સુરજ ન ઉગને કા દેશ” ૨૦ વર્ષ પહેલા રાજ્ય કક્ષાએ વિજેતા થનાર જામનગરનું પ્રથમ નાટક હતું તેમજ આ નાટકને રાષ્ટ્રીય કક્ષાએ પરિતોષિક મળ્યા હતા. થિયેટર પીપલની સિલ્વર જયુબિલીના અવસરે થિયેટર પીપલની પ્રથમ સીમાચિન્હરૂપ સફળતા સમાન નાટક “સુરજ ન ઉગને કા દેશ”નું તેના ૨૦ વર્ષ પહેલાના કલાકારો સાથે પુન:મંચન કરવામાં આવ્યું હતું.આ નાટક માટે એવોર્ડ મેળવનાર અભિનેત્રી તરનજિત કૌર ખાસ દિલ્હીથી તેમજ મહાત્મા ગાંધીના આદ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રના જીવન આધારીત વિક્રમી નાટક “યુગ પુરુષ”થી વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામેલ અભિનેતા પાર્થસારથિ વૈદ્ય ખાસ મુંબઈથી નાટકમાં પાત્ર ભજવવા આવ્યા હતા.ઉપરાંત નાટકમાં જય વિઠ્ઠલાણી, ડો. યશ્મિના જોષી, રૂપારેલીયા તથા વિરલ રાચ્છે અભિનયના ઓજસ પાથર્યા હતા. “સુરજ ન ઉગને કા દેશ” નાટકની ઓરિજનલ ટીમે ૨૦ વર્ષ પછી નાટકની માર્મિક પ્રસ્તુતિ કરી દર્શકોના દિલ ફરીથી જીતી લીધા હતા,
કાર્યક્રમના વરિષ્ઠ રંગકર્મીઑ પ્રકાશભાઈ વૈદ્ય, દુષ્યંતભાઈ અજાબિયા, ડો. અર્પણભાઈ ભટ્ટ તેમજ રાજકોટથી નયનભાઇ ભટ્ટ ઉપરાંત અનેક સ્થાનિક તેમજ બહારગામના કલાશ્રેષ્ઠીઑ અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાટ્યપ્રેમી દર્શકોને કારની ઓડિટોરિયમમાં ગેન્ગ-વેમાં પણ બેસવા માટે જગ્યા રહી ન હતી. ઓવર હાઉસફૂલ ઓડિટોરિયમમાં નગરની નાટ્યપ્રેમી જનતાએ મદ્યરાત્રી સુધી કાર્યક્રમને પૂર્ણપણે માણ્યો હતો,
સમગ્ર આયોજનમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકૂભા), જામનગર લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ, વિપુલભાઈ કોટક, મહેશભાઇ વારોતરિયા, દિનેશભાઈ મારફતિયા, રાહુલભાઈ મોદી, જીનેશભાઈ શાહ, મનસુખભાઇ દેવાણી તેમજ કમલેશ સોઢા ફાઉન્ડેશનનો સહયોગ સાંપડ્યો હતો. નગરના ગૌરવરૂપ કવિ. ડો મનોજ જોષી “મન” દ્વારા સમગ્ર કાર્યક્રમનું મોહક અને યાદગાર સંચાલન કરવામાં આવ્યું હતું.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.