Mysamachar.in:ગુજરાત
સૌરાષ્ટ્ર અને ગુજરાતનો દરિયાપારનો વેપાર આજકાલનો નથી, સદીઓથી આ વેપાર ધમધમે છે. હવે સરકાર પણ આ ક્ષેત્રમાં મોટું પગલું ભરવા જઈ રહી છે. સરકાર ચાહે છે કે, સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતમાં એક એવું ગ્લોબલ પોર્ટ બનાવવામાં આવે જે દૂબઈ, સિંગાપોર અથવા હોંગકોંગની સ્પર્ધા કરી શકે અથવા તેનાથી પણ આગળ નીકળી શકે. આ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા જરૂરી કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકાર આ સાહસ નેશનલ સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવા ચાહે છે.
સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાવનગર અથવા અમરેલી જિલ્લામાં અથવા તો દક્ષિણ ગુજરાતના હજીરા જેવાં કોઈ બંદરને ગ્લોબલ પોર્ટ બનાવવામાં આવશે એમ જાણવા મળે છે. આ યોજનાને શરૂ કરવા ગુજરાત મેરીટાઈમ બોર્ડ આંતરરાષ્ટ્રીય કંપનીઓનાં સંપર્કમાં છે અને આ માસ્ટર પ્લાન માટે GMB આ કંપનીઓ પાસેથી એક સફળ દરખાસ્ત ઈચ્છે છે.
સરકાર દૂબઈ, હોંગકોંગ કે સિંગાપોર જેવું માત્ર ગ્લોબલ પોર્ટ જ વિકસિત કરવા નથી ઈચ્છતી, ગુજરાતના આ સ્થળે એક ગ્લોબલ સિટીનો પણ વિકાસ કરવામાં આવશે. GMBના એક સિનિયર અધિકારીએ જણાવ્યું છે કે, આ માટે કન્સલ્ટન્ટ કંપનીઓ પાસેથી ગ્લોબલ ટેન્ડર મંગાવવા તૈયારીઓ થઇ ચૂકી છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ હાલમાં અમરેલીનું પિપાવાવ, સુરતનું હજીરા, પોરબંદર, ભાવનગર, કચ્છનો અખાત અથવા વલસાડ જિલ્લાઓમા આ માટે સંભાવનાઓ ચકાસી રહ્યું છે. આ તમામ સ્થળે હાલમાં બંદરો છે અને રોડ તથા રેલ્વે કનેકટિવીટી પણ છે. આથી પ્લાન્ડ પોર્ટ સિટી તરીકે આ પૈકી કોઈ સ્થાન પર ફાઉન્ડેશન સ્ટોન મૂકાઈ શકે છે. ગુજરાત દેશનાં ટોટલ કાર્ગો પૈકી 30 ટકા માલસામાનની આયાત નિકાસ કરે છે. રાજયમાં કુલ 48 બંદરો છે. આ નવું ગ્લોબલ પોર્ટ સિટી ગુજરાતના વિકાસને વધુ તેજ બનાવી શકે છે.
આ નવા ગ્લોબલ પોર્ટ સિટીમાં ગ્રીનફિલ્ડ એરિયા બનાવવામાં આવશે. પોર્ટને ધ્યાનમાં લઈ એક ઈન્ડસ્ટ્રીયલ કલસ્ટરનું આયોજન કરવામાં આવશે. તેને અતિ આધુનિક કોમર્શિયલ હબ તરીકે વિકસાવવામાં આવશે. સ્કીલ્ડ પ્રોફેશનલ માટે અલગ પ્રકારની હાઉસિંગ સોસાયટીઓ બનાવવામાં આવશે. જેમાં પોર્ટ અને ઉદ્યોગના કારીગરોને રહેણાંક આપવામાં આવશે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ જે આંતરરાષ્ટ્રીય કન્સલ્ટન્ટ કંપનીની પસંદગી કરશે, તે કંપની આ સાતેય સંભવિત પોર્ટનો અભ્યાસ કરશે. બાદમાં કોઈ એક સૌથી યોગ્ય સ્થળની પસંદગી થશે. સિટી અને પોર્ટ માટે બે અલગઅલગ માસ્ટર પ્લાન બનશે. પોર્ટ સિટીની અંદર હશે. પરંતુ પોર્ટનું સંચાલન કરવા અલગ ઓથોરિટીની રચના થશે. કંપની નકકી થયા બાદ એક વર્ષ દરમિયાન આ કન્સલ્ટન્ટ કંપની સરકારને માસ્ટર પ્લાન આપે તેવી ગોઠવણ હાલ કરવામાં આવી છે. આ માટે કંપનીએ મેરીટાઈમ બોર્ડ, રાજય સરકાર તથા કેન્દ્ર સરકારની તમામ મંજૂરીઓ અંગેના પાસાઓ ધ્યાન પર લેવાના રહેશે.






