Mysamachar.in-નવસારી અને રાજકોટ:
સામાન્ય રીતે માતાની મમતા અને માતાના કોમળ હૈયાની ઘણી જ કહાનીઓ સંભળાતી-બોલાતી અને લખાતી રહેતી હોય છે. પરંતુ ઘણાં કિસ્સા એવા પણ હોય છે જેમાં વિવિધ કારણોસર માતાઓ જલ્લાદ બની પોતાના જ સંતાનોની જિંદગીઓ ‘ખાઈ’ જાય ! કઠણ કાળજાં ધરાવતી આવી 2 માતાની કહાની પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે, જેને કારણે સમગ્ર રાજ્યમાં સનસનાટી સર્જાઈ ગઈ છે.
એક બનાવ બિલીમોરા પંથકના દેવસર ગામનો છે, જ્યાં એક માતાએ દાનવ જેવું કૃત્ય આચર્યું. ખુદના 2 સંતાનોને મોતને ઘાટ ઉતારી દીધાં. દેવસર ગામના મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાને રાત્રે સપનું આવ્યું. સપનામાં આદેશ થયો ‘તારાં બે સંતાનોને મારી નાંખ’ ! આદેશ મુજબ, ‘વશ’ ફિલ્મના પ્લોટ માફક, આ મહિલાએ પોતાના બે સંતાનોને મારી નાંખ્યા.
બાદમાં આ મહિલા સસરાને મારવા દોડી. સસરો બૂમાબૂમ મચાવી, શેરીમાં દોડી ગયો. આથી બચી ગયો. કારણ કે, બૂમાબૂમને કારણે લોકોનું ટોળું એકઠું થઈ ગયું. બાદમાં મહિલાએ રૂમનો દરવાજો બંધ કરી, ખુદને રૂમમાં સંતાડી લીધી. બાદમાં પોલીસ આવી ત્યારે, આ મહિલા આપઘાતનો પ્રયાસ કરી રહી હતી. જો કે તેણીને બચાવી લેવામાં આવી છે. જાણવા મળે છે કે, આ મહિલાનો પતિ બિલીમોરાની હોસ્પિટલમાં ટાઈફોઈડની સારવાર સંબંધે એડમિટ છે. પોલીસે મહિલાની અટકાયત કરી, તેણી વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુનો દાખલ કર્યો છે.
સંતાનોનો મા દ્વારા ભોગ લેવાયો હોય એવો અન્ય એક બનાવ રાજકોટમાં નોંધાયો. અહીં પણ એક મા બે સંતાનોને ‘ખાઈ’ ગઈ ! બાદમાં તેણીએ આપઘાત કરી લીધો. આ બનાવે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવી છે. રાજકોટના નવાગામની શક્તિ સોસાયટીમાં રહેતી 32 વર્ષની અસ્મિતા જયેશભાઈ સોલંકી નામની મહિલાએ પોતાની 2 દીકરી,7 વર્ષની પ્રિયાંશી અને 5 વર્ષની હર્ષિતાની હત્યા કરી નાંખી. બાદમાં આ મહિલાએ આપઘાત કરી લીધો. એક જ પરિવારમાં 3 સામૂહિક મોતથી નવાગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ બનાવ સમયે મહિલાનો મજૂરીકામ કરતો પતિ ક્યાં હતો એ અંગેની જાણકારીઓ બહાર આવી નથી. પોલીસના કહેવા અનુસાર, બનાવ સમયે ઘરમાં આ 3 સિવાય કોઈ ન હતું. બંને દીકરીને પ્લાસ્ટિકની દોરી વડે ગળું દબાવી આ મહિલાએ મારી નાંખી. મૃતક મહિલાનો દિયર તુષાર સોલંકી કહે છે: બનાવ સમયે હું કામ પર હતો, મને ફોન દ્વારા આ ઘટનાની જાણકારીઓ મળી.


