Mysamachar.in:સુરત
જે મોંઘુ હોય કે મોંઘુ થાય તેની ચોરી થાય…..સામાન્ય રીતે તસ્કરો સોના ચાંદીના રોકડ વગેરે ચોરી જતા હોવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ પણ છેલ્લા કેટલાક દિવસોથી ટમેટાનો ભાવ જે રીતે દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે અમુક ઈસમો ટમેટા ચોરી તરફ વળ્યાનો એક કિસ્સો રાજ્યના સુરત શહેરમાંથી સામે આવ્યો છે. આ જાણીને તમને નવાઈ લાગશે, પરંતુ આવું હકીકતમાં બન્યું છે.
આજકાલ ટામેટાના ભાવ આસમાને છે. ઘણી જગ્યાએ ટામેટા 200 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે તસ્કરો ટામેટાની ચોરી કરતા થયા છે. કોઈ ઇસમેએ સુરતના કાપોદ્રા શાક માર્કેટમાંથી 150 કિલો જેટલા મોઘા ભાવના ટામેટાને ટાર્ગેટ કર્યા છે. કાપોદ્રા શાક માર્કેટમાં વહેલી સવારે ટામેટાની ચોરી થઈ છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે, વેપારીએ આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી. શાકભાજીના વેપારીએ વહેલી સવારે શાકભાજી વેચવા માટે માર્કેટમાં આવ્યા ત્યારે ટામેટાની બોરીઓ ગાયબ હતી. જે બાદ તેમણે સીસીટીવી ચેક કરતા એક અજાણ્યો યુવક ટામેટાની ત્રણ બોરીઓ લઈ જતો નજરે પડ્યો હતો. જે બાદ વેપારીએ આ મામલે પોલીસને જાણ કરી હતી. જો કે આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી.