Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ખાણઉદ્યોગની એક નંબરની અને બે નંબરની- એમ બંને પ્રકારની ‘કમાણી’ કાયમ ચર્ચાઓનો વિષય એટલાં માટે રહી છે કેમ કે, આ ક્ષેત્રનો લાંબો રૂપિયો સ્થાનિક અને પ્રદેશ કક્ષાના રાજકીય જગતમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ત્યારે, આ વિભાગમાં ગાંધીનગરની ટીમે સૌરાષ્ટ્રમાં હાલમાં કરેલી કામગીરીઓ ‘સમાચાર’ બની છે.
ગાંધીનગરની ફલાઈંગ સ્કવોડ સૌરાષ્ટ્ર કચ્છમાં ઠેરઠેર ત્રાટકે છે અને સ્થાનિક કચેરીઓને આડકતરો સંદેશો આપે છે કે, તમારાં વિસ્તારમાં બધે જ તમારૂં ધ્યાન નથી. તમારાં વિસ્તારની વિગતો અમારાં સુધી પહોંચી જાય છે ત્યાં સુધી તમને આ માહિતીઓની ખબર નથી હોતી ?! પાછલાં 6 જ મહિનામાં એટલે કે, માત્ર 180 દિવસમાં ફલાઈંગ સ્કવોડ દ્વારા 195 કેસ થયા. મતલબ, સ્થાનિક કચેરીઓની આંખો આ મામલાઓમાં બંધ રહી.
6 મહિનાના આંકડા કહે છે: સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લો ખાણમાફિયા માટે સ્વર્ગ સમાન છે. અહીં પુષ્કળ કેસ દાખલ થયા. જો કે ફલાઈંગ સ્કવોડની કામગીરીઓમાં પણ, સ્થાનિક કચેરીઓની કામગીરીઓ માફક, કોઈ પણ ખાણમાફિયા ઝડપાઈ જતો નથી. ખાણમાફિયા વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ થતી નથી.
ખાણખનિજ વિભાગ હોય કે પોલીસ વિભાગ- ખાણખનિજ સંબંધિત કામગીરીઓમાં માત્ર વાહનો અને મશીન પકડવામાં આવે છે. બહુ બહુ તો કેટલાંક ટ્રક કે ડમ્પર કે પછી મશીનોના ચાલકને ઝડપી લેવામાં આવે છે. ખાણમાફિયાઓના કોલર પકડવાની હિંમત કે ત્રેવડ સ્થાનિક કચેરીઓ કે પછી ફલાઈંગ સ્કવોડ પણ દેખાડી શકતી નથી. તેથી આ ક્ષેત્રની કામગીરીઓને પણ લોકો દારૂ જૂગારના પરચૂરણ કેસ માફક જોઈ રહ્યા છે.
પાછલાં 6 મહિનામાં ફલાઈંગ સ્કવોડે રાજકોટ જિલ્લામાં 49 ડમ્પર અને 4 મશીન કબજે લીધાં. મોરબીમાં 47 ડમ્પર અને 12 મશીન તથા જામનગરમાં 26 ડમ્પર અને 1 મશીન કબજે લેવામાં આવ્યું. સમગ્ર સૌરાષ્ટ્રમાં કુલ 195 કેસ દાખલ કરવામાં આવ્યા. જેમાં સરકારની તિજોરીને કુલ રૂ. 4.39 કરોડની કમાણી થઈ. જામનગરમાં આ કમાણીનો આંકડો રૂ. 55.31 લાખ રહ્યો. આ ફલાઈંગ સ્કવોડ દ્વારકા સહિતના કેટલાંક જિલ્લાઓમાં એકપણ વખત ગઈ જ નથી, તે પણ અત્રે નોંધનીય છે. અને, આ છ મહિનાઓ દરમ્યાનની સ્થાનિક કચેરીઓની કામગીરીઓના આંકડા તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યા નથી.(file image)





