Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ શિયાળાની મોસમનો આરંભ થઈ ગયો છે. ઘણાં લોકોએ ગરમ વસ્ત્રો તૈયાર રાખ્યા છે અને ઘણાં લોકોએ તો ગરમ વસ્ત્રોનો ઉપયોગ શરૂ પણ કરી દીધો છે. સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો નીચે સરકવાનું શરૂ થઈ ગયું છે. જામનગરમાં પણ લઘુતમ તાપમાન ઘટવા તરફ જઈ રહ્યું છે.
અત્યાર સુધી રાજ્યમાં લઘુતમ તાપમાન 17 થી 22 ડિગ્રી આસપાસ નોંધાતું હતું. જે હવે ઘટીને 12 થી 16 ડિગ્રી આસપાસ નીચે સરકી ગયું છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન 12.2 ડિગ્રી દાહોદમાં અને 12.9 ડિગ્રી ડાંગમાં નોંધાયુ છે. જામનગરમાં પણ ઠંડીના પગરણ શરૂ થઈ જતાં આ સિઝનમાં પ્રથમ વખત 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, એક સપ્તાહ સુધી ઠંડીમાં વધારો થશે. લઘુતમ તાપમાન હજુ નીચે ઉતરી શકે. જો કે 19 નવેમ્બર બાદ લઘુતમ તાપમાન વધી પણ શકે. સપ્તાહ બાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે. રાજ્યમાં વાદળોની ફરી જમાવટ થઈ શકે. ક્યાંક છાંટા પણ વરસી શકે. હાલ ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશા તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે.
આગામી સાતેક દિવસ બાદ બંગાળની ખાડીમાં વાતાવરણ ફેરફારની શકયતાઓ હોય, ગુજરાતમાં તેની અસરો અનુભવવા મળી શકે છે. હાલમાં લોકો શિયાળાની હળવી શરૂઆતનો આનંદ માણી રહ્યા છે. જો કે, મોડી રાત્રે તથા વહેલી સવારે ઠંડીનો ચમકારો પણ લોકો અનુભવી રહ્યા છે. હજુ બપોરના સમયે ઠંડા પવન શરૂ થયા નથી. મહત્તમ તાપમાનમાં પણ આગામી દિવસોમાં ઘટ અને પછી ફરી વખત વધ અનુભવવા મળી શકે છે.


